Gurpreet Singh Murder Case: પંજાબ પોલીસે શુક્રવારે કહ્યું કે તેણે શીખ કાર્યકર્તા ગુરપ્રીત સિંહની હત્યાનો કેસ ઉકેલી લીધો છે. જેમાં ગેંગસ્ટર બનેલા આતંકી અર્શદીપ સિંહનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે આ કેસમાં જેલમાં બંધ કટ્ટરવાદી ઉપદેશક અમૃતપાલ સિંહની સંડોવણીના પુરાવા મળ્યા છે.
પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે કહ્યું કે ગુરપ્રીત સિંહની હત્યાનો કેસ ઉકેલતી વખતે પોલીસે અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે આ હત્યા કેસમાં અર્શદીપ મુખ્ય આરોપી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ બિલાલ અહેમદ ઉર્ફે ફૌજી, ગુરમરદીપ સિંહ ઉર્ફે પોન્ટુ અને અર્શદીપ સિંહ ઉર્ફે ઝાંડુ તરીકે થઈ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 32 વર્ષીય ગુરપ્રીત સિંહને વર્ષ 2021માં વારિસ પંજાબ ડી ઓર્ગેનાઈઝેશનના ખજાનચી બનાવવામાં આવ્યા હતા. દીપ સિદ્ધુના મૃત્યુ પછી તે અમૃતપાલની નજીક રહ્યો, પરંતુ પછીથી અલગ થઈ ગયો. ગુરપ્રીત સિંહની 9 ઓક્ટોબરના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તે પોતાના ગામમાં ગુરુદ્વારાથી મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો.
ગુરપ્રીત સિંહ છેલ્લા કેટલાક સમયથી અમૃતપાલ સિંહ અને શીખ નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા. તેના કારણે તેને સતત ધમકીઓ પણ મળી રહી હતી. ગુરપ્રીત સિંહ હત્યા કેસની તપાસ માટે પોલીસે ચાર સભ્યોની SITની રચના કરી હતી. જેમાં ત્રણ ડીએસપી અને એક એસપીનો સમાવેશ થાય છે.
ડીજીપીએ કહ્યું કે તપાસમાં ખુલાસો થયો છે કે ગુરપ્રીત સિંહની હત્યાનું કાવતરું અર્શ દલ્લા અને વિદેશમાં બેઠેલા અન્ય લોકો દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે હત્યાની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે અલગ-અલગ મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના હેન્ડલર વિદેશમાં રહેતા હતા.
આ પણ વાંચોઃ- જેલમાં બંધ આસારામથી મળી શક્શે નારાયણ સાંઈ, આટલી શરતો સાથે ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી
ડીજીપીએ કહ્યું કે તપાસ દરમિયાન હત્યાના કાવતરામાં ‘વારિસ પંજાબ દે’ સંગઠનના અમૃતપાલ સિંહની ભૂમિકા દર્શાવતા પુરાવા સામે આવ્યા છે. તપાસમાં નોંધાયેલા કેટલાક નિવેદનો અનુસાર, આ હત્યા અમૃતપાલ સિંહના કહેવા પર કરવામાં આવી હતી.
‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા અમૃતપાલ સિંહ તેના નવ સહયોગીઓ સાથે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. પંજાબની ખદુર સાહિબ લોકસભા સીટ પરથી અમૃતપાલ 1,97,120 વોટથી જીત્યા હતા. પંજાબમાં આ સૌથી મોટી જીત છે.
તેમણે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરાને હરાવ્યા હતા. અમૃતપાલે 5 જુલાઈએ લોકસભા સાંસદ તરીકે શપથ લીધા હતા. આ માટે તેને ખાસ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો હતો. શપથ લેવા માટે અમૃતપાલને થોડા દિવસો માટે પેરોલ આપવામાં આવ્યો હતો.