PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હરિયાણા ભાજપના કાર્યકર્તાઓ સાથે મેરા બુથ, સૌથી મજબૂત કાર્યક્રમ સંબોધિત કર્યો હતો. આ દમિયાન પીએમે કહ્યું કે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસનો માહોલ બતાવતા લાઉડસ્પીકર નબળા પડી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે ભાજપ માટે સમર્થન વધી રહ્યું છે જ્યારે કોંગ્રેસ પોતાની જમીન ગુમાવી રહી છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાનો મોટાભાગનો સમય અંદરોઅંદરની લડાઇમાં પસાર કરે છે અને હરિયાણાનું દરેક બાળક આ વાત જાણે છે. લોકોએ ભાજપને રાજ્યની સેવા કરવા માટે ફરી એક તક આપવાનું નક્કી કર્યું છે.
પીએમ મોદીના ભાષણની ખાસ વાતો
પીએમ મોદીએ કહ્યું કે હરિયાણાની જનતાએ ભાજપને ફરી એકવાર સેવા કરવાની તક આપવાનો નિર્ણય કર્યો છે. તેમને ખુશી છે કે 10 વર્ષમાં ભ્રષ્ટાચાર વગરની સરકાર ચલાવવાની ઘટના હરિયાણામાં પહેલીવાર બની છે. હરિયાણામાં આ પહેલીવાર છે જ્યારે રાજ્યના યુવાનોને પર્ચી વગર, ખર્ચ વિના રોજગાર મળી રહ્યો છે. તેથી હરિયાણાના લોકો અમારી સાથે છે, તેમના આશીર્વાદ અમારી સાથે છે, જીત નિશ્ચિત છે.
આ પણ વાંચો – શું રાહુલ ગાંધી પાસે બેવડી નાગરિકતા છે? હાઈકોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી માંગી
પીએમે કહ્યું કે કોંગ્રેસના લાઉડસ્પીકરનો કરંટ નબળો પડી ગયો છે. કોંગ્રેસ દરરોજ નબળી પડી રહી છે અને છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ રહી છે.
નમો એપના માધ્યમથી હરિયાણા ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા તેમણે આગામી રાજ્યની ચૂંટણી માટે બૂથ સ્તરના કામ પર ચર્ચા કરી અને તેમને ચૂંટણી જીતવા માટે પાર્ટીની રણનીતિ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજકાલ તમે લોકો ‘મેરા બૂથ સૌથી મજબૂત’ના મંત્ર સાથે તમારા બૂથ પર ચોવીસ કલાક મહેનત કરી રહ્યા છો. મોદીએ કહ્યું કે ચૂંટણી રણનીતિનું એક જ રહસ્ય છે અને તે એ છે કે જે પોલિંગ બૂથ જીતે છે તે ચૂંટણી જીતે છે.