Haryana Charkhi Dadri | હરિયાણા ચરખી દાદરી : હરિયાણાના ચરખી દાદરીમાં ગૌરક્ષકોએ પશ્ચિમ બંગાળના એક પરપ્રાંતિય મજૂરને ઢોર માર મારી હત્યા કરી દીધી અને અન્ય એક વ્યક્તિને ઘાયલ કર્યો. તેમને શંકા હતી કે, તેણે બીફ ખાધું છે. આ ઉપરાંત, પોલીસે આ કેસમાં સંડોવણી બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે અને બે કિશોરોને પણ પકડ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મજૂરની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી સાબીર મલિક તરીકે થઈ છે.
પીટીઆઈએ અધિકારીના હવાલાથી જણાવ્યું હતું કે, પીડિતે બીફ ખાધુ હોવાની શંકા હતી, આરોપીએ તેને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને એક દુકાનમાં બોલાવ્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આસામના રહેવાસી અસીરુદ્દીનને બસ સ્ટેન્ડ પર બોલાવ્યો અને ત્યાં બંનેને માર માર્યો. જ્યારે રાહદારીઓએ દરમિયાનગીરી કરી ત્યારે તેઓ બંનેને તેમની બાઇક પર અન્ય કોઈ જગ્યાએ લઈ ગયા હતા. બાદમાં સાબીર એક કેનાલ પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આરોપીઓએ અસીરુદ્દીનને બીજી જગ્યાએ ફેંકી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો
મજૂરની હત્યા કરનારા આરોપીઓની ઓળખ અભિષેક, મોહિત, રવિન્દર, કમલજીત અને સાહિલ તરીકે થઈ છે. મૃતક વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને કચરો વીણી ભેગો કરીને પોતાનો ખર્ચ પૂરો કરતો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલિકના સાળા સુજાઉદ્દીને કહ્યું કે, તે છેલ્લા પાંચ વર્ષથી તેના પિતા અને બહેનના પરિવાર સાથે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને તેની સાથે આવું કંઈ પણ પહેલા ક્યારેય બન્યું નથી. તેણે કહ્યું કે, તે સવારે કચરો ભેગો કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જૂથે તેને કહ્યું કે, તેણે બીફ ખાધું છે. ગૌ રક્ષકો તેને બાંદ્રા પોલીસ સ્ટેશન પણ લઈ ગયા.
મૃતકના પરિજનોએ કડક સજાની માંગ કરી હતી
સુજાઉદ્દીને જણાવ્યું કે, હું પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે મારી બહેને મને ફોન કર્યો અને કહ્યું કે, કેટલાક લોકો આવ્યા હતા અને પ્લાસ્ટિકની ખાલી બોટલો વેચવાના બહાને તેના પતિને લઈ ગયા હતા. મેં તરત જ પોલીસને જાણ કરી. બાદમાં તે કેનાલ પાસે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે અને તેના સાળા મલિકને ન્યાય આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો – શું પીએમ મોદી ચીન અને પાકિસ્તાન એક સાથે સંભાળી શકશે? બદલાયેલી કૂટનીતિ અને રણનીતિ સમજો
આ ઘટના પર નાયબ સિંહ સૈનીએ શું કહ્યું
ચરખી દાદરી મુદ્દે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, મોબ લિંચિંગ જેવી વાતો કરવી યોગ્ય નથી, કારણ કે વિધાનસભામાં ગૌ રક્ષા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે અને તેની સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. હું કહેવા માંગુ છું કે આવી ઘટનાઓ ન થવી જોઈએ અને આ ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ છે.





