Hathras Stampede Accident : ઉત્તર પ્રદેશના હાથરસમાં એક મોટી ઘટના સામે આવી છે. હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ છે. આ નાસભાગમાં લગભગ 110 થી વધુ લોકોના મોત છે. જ્યાં નાસભાગ થઈ ત્યાં સત્સંગ ચાલી રહ્યો હતો. આ ઘટના હાથરસના રતિભાનપુર વિસ્તારની છે. કહેવાય છે કે ભોલે બાબાના સત્સંગનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો અને તે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને એટાહ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, નાસભાગમાં ઘણી મહિલાઓ અને બાળકો લકોના પગ નીચે ચગદાયા હતા, જેના કારણે તેમના મોત થયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ અકસ્માતની નોંધ લીધી છે. હાથરસ ભાગદોડની ઘટના પર અલીગઢના કમિશનર ચૈત્રા વી.એ કહ્યું કે અત્યાર સુધી માહિતી પ્રાપ્ત થઈ છે કે 116 લોકોના મોત થયા છે અને 18 લોકો ઇજાગ્રસ્ત છે. સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે.
યુપી સરકારના મંત્રી સંદીપ સિંહે કહ્યું – જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરાશે
હાથરસ ભાગદોડ પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સંદીપ સિંહે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર તમામ ઇજાગ્રસ્તોને સારી સારવાર આપવા માટે કામ કરી રહી છે. મૃતકોના પરિવારોને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખ રૂપિયાની અને રાજ્ય સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની રકમ આપવામાં આવી રહી છે. ઘટનામાં જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે X પર પોસ્ટ કર્યું કે, “હાથરસ જિલ્લામાં કમનસીબ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવાર કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં માન. મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી જી, સંદીપ સિંહ જી ઘટના સ્થળ માટે રવાના થયા છે અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ઘટના સ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ADG, આગ્રા અને કમિશનર, અલીગઢના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.
ઇટાહના એસએસપી રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ ઘટના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ શહેરમાં બની હતી. તેણે પોતે જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 મૃતદેહો ઇટાહ હોસ્પિટલમાં આવી છે, જેમાંથી 23 મહિલાઓ, ત્રણ બાળકો અને એક પુરુષ છે. ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે અને મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સત્સંગ પૂરો થતાં જ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા અને આ દરમિયાન નાસભાગ મચી ગઈ. નાસભાગ દરમિયાન લોકો એકબીજાની સામે પણ જોતા ન હતા અને એકબીજા પર કૂદતા ભાગતા રહ્યા હતા. નાસભાગ થતાં જ ચારેબાજુ ચીસાચીસ થઈ ગઈ હતી.





