HMPV Virus Case In India: ચીન માંથી એચએમપીવી વાયરસ ભારતમાં આવી પહોંચ્યા છે. કોરોના વાયરસ બાદ ફરી એચએમપીવી વાયરસ સમગ્ર દુનિયાને ડરાવ રહ્યો છે. ચિંતાજનક વાત એ છે કે, એચએમપીવી વાયરસના ભારતમાં 2 કેસ નોંધાયા છે, જેમા 1 કેસ ગુજરાતના અમદાવાદમાં સામે આવ્યો છે. એચએમપીવી વાયરસ હાલ ચીનમાં ભયંકર ગતિએ ફેલાઇ રહ્યો છે, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેસ ઝડપથી વધી રહ્યા છે, હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ભારતમાં અત્યાર સુધી આ વાયરસના 2 કેસ સામે આવી ચૂક્યા છે.
ભારતમાં એચએમપીવી વાયરસના 2 કેસ
ભારતમાં એચએમપીવી વાયરસના હાલ 2 કેસ નોંધાયા છે. જેમા 1 કેસ બેંગ્લોર અને 1 કેસ ગુજરાતમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નોંધાયો છે. હાલ ભારત સરકાર કહે છે કે, આ વાયરસથી ડરવાની જરૂર નથી, પરંતુ એક પ્રશ્ન સામાન્ય લોકોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહે છે – શું કોરોના અને એચએમપીવી વાયરસ સમાન છે? શું આ બંને વાયરસ વચ્ચે કોઈ તફાવત છે?
હવે અહીં સમજવા જેવી વાત એ છે કે એચએમપીવી અને કોવિડ 19 વાયરસ છે, તે અલગ અલગ વાયરસ સમૂહ સાથે જોડાયેલા છે, પરંતુ તેમાં કેટલીક સમાનતાઓ પણ છે. હકીકતમાં એચએમપીવી વાયરસ હોય કે કોવિડ, બંને શ્વસન તંત્ર પર હુમલો કરે છે. તેવ જ રીતે, કોવિડ અને એચએમપીવી વાયરસ જે રીતે ફેલાય છે તે પણ સમાન હોવાનું જણાય છે.
આ ઉપરાંત બંને વાયરસના લક્ષણોમાં તાવ, દુ:ખાવો, શ્વાસની તકલીફ પણ સામેલ છે. બંને વાયરસ બાળકો, વૃદ્ધો અને પહેલાથી બીમાર અથવા તેઓ લાંબા સમયથી કોઈ અન્ય રોગથી પીડિત હોય તેવા લોકો પર હુમલો કરે છે. બંને વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.
હાલ પૂરતું, એચએમપીવી વાયરસ અને કોરોના વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે કોવિડ રસી વિકસિત કરવામાં આવી છે પરંતુ એચએમપીવી સામે લડવા માટે બજારમાં આવી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી.