ચૂંટણી કમિશનર ની નિમણૂક કેવી રીતે થાય છે, શું હોય છે જવાબદારી અને સત્તા? જાણો બધુ જ

દેશમાં લોકસભા, રાજ્યસભાથી લઈને વિધાનસભા અને વિધાન પરિષદ સુધીની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે.

Written by Kiran Mehta
Updated : March 11, 2024 17:29 IST
ચૂંટણી કમિશનર ની નિમણૂક કેવી રીતે થાય છે, શું હોય છે જવાબદારી અને સત્તા? જાણો બધુ જ
ચૂંટણી કમિશ્નરની ઓફિસ

Election Commissioner | ચૂંટણી કમિશનર : લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકારી લીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 15 માર્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં ચૂંટણી કમિશનરની નિમણૂકના નામને મંજૂરી આપવામાં આવશે. સરકારે બે ચૂંટણી કમિશનરોના નામ ફાઈનલ કરવાના છે. આ પછી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. તો, ચાલો આપણે વિગતવાર સમજીએ કે, ચૂંટણી કમિશનરોની નિમણૂક કેવી રીતે થાય છે અને તેમની શક્તિઓ શું છે.

ચૂંટણી પંચની જવાબદારી

દેશમાં લોકસભા, રાજ્યસભાથી લઈને વિધાનસભા અને વિધાન પરિષદ સુધીની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે. ચૂંટણી પંચ ચૂંટણી અધિકારીઓની નિમણૂકથી માંડીને મતદાન અને મતગણતરી સુધીની તમામ કામગીરી કરે છે. ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર હોય છે. તેઓ સાથે મળીને કોઈપણ ચૂંટણી માટે સમગ્ર કાર્યક્રમ નક્કી કરે છે. બંધારણની કલમ 324(2) ભારતના રાષ્ટ્રપતિને સમયાંતરે મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના ચૂંટણી કમિશનરની સંખ્યામાં ફેરફાર કરવાની સત્તા આપે છે. તમને જણાવી દઈએ કે, પહેલા દેશમાં માત્ર એક જ ચૂંટણી કમિશનર હતા પરંતુ, બાદમાં તેમની સંખ્યા વધારીને ત્રણ કરી દેવામાં આવી હતી.

ચૂંટણી કમિશનરની નિમણૂક કેવી રીતે થાય છે?

ચૂંટણી કમિશનરની નિમણૂકમાં ફેરફાર અંગે સરકાર ગયા વર્ષે ડિસેમ્બરમાં કાયદો લાવી હતી. આ મુજબ હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી સમિતિની ભલામણ પર કરવામાં આવશે. નવા કાયદા અનુસાર, સરકારી સુધારા હેઠળ, ‘સર્ચ કમિટી’નું નેતૃત્વ હવે કેબિનેટ સચિવને બદલે કાયદા પ્રધાન કરશે, જેમાં બે સચિવ સભ્યો હશે. કાયદા મંત્રી અને બે કેન્દ્રીય સચિવોની બનેલી સર્ચ કમિટી 5 નામોને શોર્ટલિસ્ટ કરીને પસંદગી સમિતિને સુપરત કરશે. તેમાંથી વડાપ્રધાન, એક કેન્દ્રીય મંત્રી અને વિપક્ષના નેતાની બનેલી ત્રણ સભ્યોની સમિતિ નામ નક્કી કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો પગાર સુપ્રીમ કોર્ટના જજ જેટલો હશે. તો હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો રહેશે.

આ પણ વાંચો – Electoral Bond : સુપ્રીમ કોર્ટે SBI ની અરજી ફગાવી, કહ્યું – ‘આવતીકાલ ચૂંટણી બોન્ડની સંપૂર્ણ વિગત આપે, નહીં તો…’

ચૂંટણી કમિશનરની સત્તા

ચૂંટણીની તારીખો જાહેર કરવા ઉપરાંત, ચૂંટણી કમિશનરને મતદાન મથકો નક્કી કરવાની સત્તા છે, ચૂંટણી નિરીક્ષકથી લઈને અધિકારીઓની બદલી સુધી. નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચ આચાર સંહિતા હેઠળ ચૂંટણી ઉલ્લંઘન સામે પગલાં લે છે. જો કોઈ અધિકારી આચારસંહિતા દરમિયાન ચૂંટણી પંચના નિયમોનું પાલન ન કરે તો, ચૂંટણી કમિશનર તેની સામે કાર્યવાહી કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ