Salary Hike 2024 : પગાર… એવો શબ્દ છે, જે સાંભળતા જ કોઈપણ કર્મચારીના ચહેરા પર સ્મિત આવી જાય છે. જે દિવસે સેલેરી ક્રેડિટનો મેસેજ આવે છે, તે કર્મચારીઓ માટે આખા મહિનાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે. દરેક કર્મચારીના મનમાં એક પ્રશ્ન છે કે, આ વર્ષે તેમનો ઇન્ક્રીમેન્ટ એટલે કે પગાર કેટલો વધશે. હાલમાં જ આ અંગે એક સર્વે કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ દર્શાવે છે કે, ભારતમાં કંપનીઓ આ વર્ષે તેમના કર્મચારીઓના પગારમાં લગભગ 10 ટકાનો વધારો કરી શકે છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, પગારમાં સૌથી વધુ વધારો ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ માટે થઈ શકે છે.
કયા સેક્ટરમાં સૌથી વધુ પગાર વધવાની ધારણા
વાસ્તવમાં, આ સર્વે કન્સલ્ટન્સી કંપની મર્સરની TRS દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે સરેરાશ પગાર વધારો માત્ર 9.5 ટકા હતો, પરંતુ આ વર્ષે આ રેન્જ 10 ટકા સુધી જઈ શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે, આ વલણ ભારતના મજબૂત આર્થિક પ્રદર્શન અને પ્રતિભા હબ તરીકે તેની વધતી અપીલને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ અને સાયન્સના કર્મચારીઓના વેતનમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે.
પ્રાઈવેટ કર્મચારીના પગારમાં 10 ટકા વધારાની ધારણા
મે અને ઓગસ્ટ 2023 વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં 1,474 કંપનીઓનો ડેટા લેવામાં આવ્યો હતો. તેમાં 6,000 થી વધુ નોકરીની ભૂમિકાઓ સામેલ છે અને 21 લાખથી વધુ કર્મચારીઓ પાસેથી માહિતી લેવામાં આવી છે. 2023માં 9.5 ટકાના વધારાની ટોચ પર, 2024 માં ભારતમાં સરેરાશ મેરિટ વેતન વધારો 10 ટકા સુધી પહોંચવાની ધારણા છે, એમ સર્વેમાં જણાવાયું છે.
નોકરી છોડવાનું વધતું વલણ
આ સર્વે કહે છે કે, ભારતમાં સ્વૈચ્છિક એટ્રિશન રેટ ધીમે ધીમે 2021 માં 12.1 ટકાથી વધીને 2022 માં 13.5 ટકા થઈ ગયો છે. મર્સરના સર્વેમાં જણાવાયું છે કે, 2023 માટેનો અર્ધ-વર્ષનો ડેટા 2022 ની સરખામણીમાં એટ્રિશનના વલણમાં થોડો વધારો સૂચવે છે, જે સ્વૈચ્છિક એટ્રિશનના વલણમાં વાર્ષિક ધોરણે વધારો દર્શાવે છે.
ભારતમાં મર્સરના રિવોર્ડ્સ કન્સલ્ટિંગ લીડર માનસી સિંઘલે જણાવ્યું હતું કે અપેક્ષિત પગાર વધારાથી ભારતીય બજારમાં વિશ્વાસ વધી રહ્યો છે.





