Hyderabad Fire Incident: હૈદરાબાદમાં ચાર મિનાર પાસે એક બિલ્ડિંગમાં ભંયકર આગ લાગી છે. રવિવારે સવારે હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર પાસે આવેલા ગુલઝાર હાઉસ નામની બિલ્ડિંગમાં અચાનક આગ લાગી અને આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની ઘટના પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
ફાયર વિભાગને સવારે લગભગ 6:30 વાગ્યે ગુલઝાર હાઉસમાં આગ લાગવાની માહિતી મળી હતી. આ પછી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘણા લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને લગભગ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે મોતનો આંકડો વધી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પીએમઓએ આ આગની ઘટનાને લઈને પીએમ મોદીને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેલંગાણાનાં હૈદરાબાદમાં આગની ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ થયું છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી દરેક મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
મંત્રીએ કહ્યું – મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા
તેલંગાણાના મંત્રી પોનામ પ્રભાકરે જણાવ્યું કે આગ સવારે લગભગ 6 વાગે લાગી હતી અને સવારે 6:16 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે બધાને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇમારતના મોટાભાગના કબજેદારો માર્યા ગયા હતા. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પીડિત પરિવાર સાથે વાત કરી હતી અને તેમને સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.