/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Election-Commissioners-IAS-Sukhbir-Singh-Sandhu-Gyanesh-Kumar.jpg)
ચૂંટણી કમિશનર તરીકે IAS જ્ઞાનેશ કુમાર, IAS સુખબીર સિંહ સંધુની પસંદગી કરવામાં આવી
Appointment of Election Commissioner | નવા ચૂંટણી કમિશ્નર પસંદગી : લોકસભા ચૂંટણી પહેલા IAS સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે નિવૃત્ત IAS અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુની ચૂંટણી કમિશનર તરીકે પસંદગી કરી હતી.
જો કે, પેનલ પરના વિપક્ષી સભ્ય, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ તેમની અસંમતિ નોંધાવી, પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અધિકારીઓના સંક્ષિપ્ત-સૂચિબદ્ધ (શોર્ટ લીસ્ટેડ) નામો તેમને અગાઉથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા ન હતા.
ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમણે મીટિંગ પહેલાં સંક્ષિપ્ત સૂચિ (શોર્ટ લીસ્ટ) માંગી હતી, જેથી કરીને તેઓ શોર્ટ લિસ્ટ કરાયેલા તમામ ઉમેદવારોની વિગતો મેળવી શકે. તેમણે કહ્યું કે, સરકારે બુધવારે 212 અધિકારીઓના નામ મોકલ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારે ચૌધરીને 236 નામવાળી પાંચ યાદી મોકલી હતી.
અધીર રંજન ચૌધરીએ શું પ્રશ્નો ઉઠાવ્યા
નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગે સવાલો ઉઠાવતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, સમિતિ સમક્ષ કુલ 6 નામ મૂકવામાં આવ્યા હતા. જેમાંથી 2 નામો પર મોહર મારી દેવામાં આવી છે. અધીર રંજને પસંદગી સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની જગ્યાએ કેન્દ્રીય મંત્રીને સામેલ કરવાના કાયદાને લઈને પણ કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, CJI આ સમિતિમાં હોવા જોઈએ. ગયા વર્ષે સરકાર એક કાયદો લાવી હતી. હવે તે માત્ર ઔપચારિકતા બની ગયુ છે. સરકાર જે ઈચ્છે છે તે કરી રહી છે.
વિગતવાર યાદીમાં ભારત સરકારમાં સચિવ અને સચિવ સમકક્ષ અધિકારીઓ તરીકે નિવૃત્ત થયેલા 92 અધિકારીઓના નામ હતા, તો ભારત સરકારમાં સચિવ અને સચિવ સમકક્ષ અધિકારીઓ તરીકે સેવા આપતા 93 અધિકારીઓના નામ હતા, તો 15 એવા અધિકારી જે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવ તરિકે રિટાયર થયા હતા. છેલ્લા એક વર્ષમાં 28 અને 8 અધિકારીઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.
કોણ છે IAS સુખબિર સિંહ સંધુ
ચૂંટણી કમિશ્નર તરીકે જેમની પસંદગી થઈ છે, તેમાં ડૉ. સુખબીર સિંહ સંધુનું નામ સામે આવ્યું છે. સુખબિર સિંહ સંધુ 1988 બેચના ઉત્તરાખંડ કેડરના IAS અધિકારી છે, જેમણે કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર અને પંજાબ સરકારમાં મહત્વના હોદ્દા સંભાળ્યા છે. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો છે. જો તેમના શિક્ષણ કરિયરની વાત કરીએ તો, સંધુએ સરકારી મેડિકલ કૉલેજ, અમૃતસરમાંથી એમબીબીએસ કર્યું છે અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાંથી ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી કરી છે અને તે લૉ ગ્રેજ્યુએટ પણ છે.તમને જણાવી દઈએ કે, સંધુએ રાજ્યના રસ્તાઓ, માળખાકીય વિકાસ, પીપીપી પ્રોજેક્ટ્સ, નાણાં, શહેરી વિકાસ, પર્યાવરણ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, પ્રવાસન, મહેસૂલ વહીવટ, ગ્રામીણ વિકાસ, પાવર, નવી અને નવીનીકરણીય ઉર્જા, માહિતી ટેકનોલોજી, ઉદ્યોગો અને વિજ્ઞાન અને ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે.
આ પણ વાંચો - SBI Electoral Bonds: ચૂંટણી બોન્ડની કિંમત શું હોય છે? SBIના ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત દરેક પ્રશ્નના જવાબ
કોણ છે IAS જ્ઞાનેશ કુમાર?
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. તમને જણાવી દઈએ કે જ્ઞાનેશ કુમાર થોડા દિવસો પહેલા જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા છે. આ પહેલા તેઓ ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા. આ સમયગાળા દરમિયાન કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. તેમણે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us