IMD Weather Forecast Today : ભારત ભરમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, તેમ તેમ નદીઓમાં પૂર અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે. જો કે બુધવારે વરસાદ બાદ ભેજનું પ્રમાણ વધતા લોકો પરેશાન થઇ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદને કારણે દિલ્હીમાં આગામી છ દિવસ સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. તો IMD એ શુક્રવારે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ સહિત રાજ્યોમાં ભારે વરસાદની જનજીવન અસ્તવ્યસ્ત
બીજી તરફ મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુપીમાં પીલીભીત અને આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે.
બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
હવામાન વિભાગે બિહારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ શુક્રવારે ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુરુવારે બિહારમાં 115.5-204.4 મીમી વરસાદની સંભાવના છે. તો, ગુરુવારે ઉત્તર પ્રદેશના ખેરી, બલરામપુર, સિદ્ધાર્થનગર, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા અને સંત કબીર નગર જેવા વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
દેશના ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં 14 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 11 થી 13 જુલાઈ, જમ્મુમાં 12 અને 13 જુલાઈ અને ઉત્તર હરિયાણા અને ઉત્તર પંજાબમાં 12 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે.
13 જુલાઈ સુધી સમગ્ર દેશમાં વરસાદનું એલર્ટ, યુપીમાં અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ
દેશના ઘણા રાજ્યોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. યુપી, ઉત્તરાખંડ, હિમાચલ, મહારાષ્ટ્ર, ઝારખંડ, કેરળ, તમિલનાડુ અને આંદામાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દેશભરમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ જોવા મળશે.
ઉત્તરાખંડ ના 5 જિલ્લામાં યલો એલર્ટ, ભૂસ્ખલનથી સાવધાન રહેવાની સલાહ
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. રાજ્યના 5 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ચારધામ જનારા પ્રવાસીઓને અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોના લોકોને વધુ સાવધ રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવારે દેહરાદૂન, નૈનીતાલ, ઉધમ સિંહ નગર અને ચંપાવત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો – Gujarat Rain : આજે સવારથી જ સુરતમાં વરસાદે બોલાવી ધબધબાટી, કામરેજમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
દિલ્હીમાં બે દિવસ માટે વરસાદનું એલર્ટ
દિલ્હી-NCRમાં આગામી બે દિવસ માટે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હળવો વરસાદ પડી શકે છે. સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી રાજધાની (સફદરજંગ)માં 10.1 મીમી, પાલમમાં 25.4 મીમી, લોધી રોડમાં 5 મીમી, રીજમાં 3.9 મીમી અને મયુર વિહારમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. 12 જુલાઈએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યમ વરસાદ પડી શકે છે.





