immigration bill passed in lok sabha : ઈમિગ્રેશન બિલ લોકસભામાંથી પાસ થઈ ગયું છે, આ બિલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે ભાજપ માની રહ્યું છે કે આ બિલ રજૂ થયા બાદ રોહિંગ્યાઓની ગેરકાયદે એન્ટ્રી બંધ થઇ જશે. ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત કોઇ ધર્મશાળા નથી.
બાંગ્લાદેશી ઘૂસણખોરો પશ્ચિમ બંગાળના રસ્તેથી ભારતમાં પ્રવેશ કરે છે – અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય કે રોહિંગ્યા, પહેલા જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેઓ આસામ દ્વારા ભારતમાં પ્રવેશ કરતા હતા. હવે તેઓ પશ્ચિમ બંગાળના રસ્તેથી ભારતમાં પ્રવેશ કરે છે, જ્યાં ટીએમસી સત્તામાં છે. તેમને આધાર કાર્ડ, નાગરિકતા કોણ આપે છે?. ધરપકડ કરાયેલા તમામ બાંગ્લાદેશીઓ પાસે 24 પરગણા જિલ્લાના આધારકાર્ડ છે. તમે (ટીએમસી) આધાર કાર્ડ જારી કરો છો અને તેઓ મતદાર કાર્ડ સાથે દિલ્હી આવે છે. 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે અને અમે તેના પર અંકુશ લગાવીશું.
અમિત શાહે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ સાથે આપણી 2,216 કિલોમીટરની સરહદ છે અને 1,653 કિલોમીટરની ફેન્સિંગનું નિર્માણ થઈ ચૂક્યું છે. 450 કિ.મી.ની ફેન્સિંગનું કામ બાકી છે કારણ કે પશ્ચિમ બંગાળ સરકાર તેના માટે જમીન આપતી નથી. જ્યારે પણ ફેન્સિંગ કરવામાં આવે છે, ત્યારે સત્તાધારી પાર્ટીના કાર્યકરો ગુંડાગીરી કરે છે અને ધાર્મિક સૂત્રોચ્ચાર કરે છે.
આ પણ વાંચો – સહકારી યુનિવર્સિટીનું નામ ત્રિભુવન પટેલના નામ પર કેમ રાખવામાં આવ્યું? અમિત શાહે જણાવ્યું કારણ
શું છે ઈમિગ્રેશન બિલ?
આ બિલ અનુસાર પાસપોર્ટ કે ડોક્યુમેન્ટ્સ વગર કોઈ પણ વિદેશીને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને જો કોઈ આવું કરવાનો પ્રયાસ કરશે તો 5 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના દસ્તાવેજો વિશે ખોટી માહિતી આપે છે અથવા કોઈ પણ પ્રકારની ગરબડ કરવાનો પ્રયાસ કરે છે તો તે સ્થિતિમાં 3 વર્ષ સુધીની જેલની સજા અને 3 લાખ રૂપિયાનો દંડ થશે.
બિલ અનુસાર જો કોઇ માન્ય પાસપોર્ટ વગર ભારતમાં પ્રવેશ કરશે તો તેને તરત જ અટકાયતમાં લેવામાં આવશે, જો આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હશે તો કડક કાર્યવાહી પણ થઇ શકે છે.