/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Happy-Independence-Day-2024-1.jpg)
Independence Day 2024, 15 August : દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે (ફાઇલ ફોટો)
Independence Day 2024 History : દેશને 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 15 ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા. ગૌરવની એ ક્ષણને કોઈ ભૂલી શકે તેમ નથી. આ દિવસના મહત્વ વિશે જાણવા માટે, આપણે તેનો ઇતિહાસ જાણવો જરૂરી છે.
15 ઓગસ્ટે 200 વર્ષ સુધી ભારત પર રાજ કરનાર બ્રિટિશ પ્રભુત્વનો અંત આવ્યો હતો. આ દિવસે તે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ લેખમાં આપણે સ્વતંત્રતા દિવસના ઇતિહાસ અને મહત્વ વિશે જણાવીશું.
ભારતમાં સ્વતંત્રતા દિવસનો ઇતિહાસ (Independence Day 2024 History)
15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સત્તાવાર રીતે ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ વર્ષોના અવિરત સંઘર્ષ, અહિંસક પ્રતિકાર અને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને અન્ય ઘણા લોકોના બલિદાન પછી આવ્યો છે. આ નેતાઓએ આઝાદીની લડત શરૂ કરી હતી. ભારત છોડો આંદોલનના કારણે આખરે વર્ષ 1947માં ભારતીય નાગરિકોને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.
સ્વતંત્રતા દિવસ 2024 થીમ (Independence Day 2024 Theme)
ભારત સરકારના(GOI) મતે આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહની થીમ વિકસિત ભારત @2047 રહેશે.
ભારતમાં સ્વતંત્રતા દિવસનું મહત્વ (Independence Day 2024 Significance)
સ્વતંત્રતા દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વશાસન, સાર્વભૌમત્વ અને લોકશાહીના નવા યુગની શરૂઆતની નિશાની છે. તે ભારતીય લોકોની પોતાનું ભાગ્ય નક્કી કરવાની અને દેશના ભાવિને આકાર આપવાની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે.
આ પણ વાંચો - વાઘા બોર્ડર થી જલિયાંવાલા બાગ, 15 ઓગસ્ટ પર અમૃતસરમાં ફરવા લાયક પ્રખ્યાત સ્થળો
15 ઓગસ્ટે જ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવવામાં આવે છે?
15 ઓગસ્ટ, 1947 એ તારીખ છે જ્યારે ભારતીય સ્વતંત્રતા કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદાએ કાયદાકીય સાર્વભૌમત્વને ભારતીય બંધારણ સભામાં હસ્તાંતરિત કર્યું હતું, જેને ભારતના લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. બ્રિટિશ સંસદ દ્વારા 18 જુલાઇ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો ઘણા વર્ષોથી ચાલી આવતી ભારતીય સ્વતંત્રતા ચળવળનું પરિણામ હતું. દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ તત્કાલીન બ્રિટીશ શાસનથી આઝાદી મળી હતી.
ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી (Independence Day 2024 Celebration)
આ દિવસ દેશભરમાં ઉજવવામાં આવે છે. શાળાઓ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને ધ્વજવંદન સમારોહમાં ભાગ લે છે. પ્રધાનમંત્રી દેશની પ્રગતિ અને લક્ષ્યાંકોને દર્શાવતા લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરે છે.
જાણો કેટલાક રસપ્રદ તથ્યો
-ભારતનો ધ્વજ સૌ પ્રથમ 1906 માં કલકત્તાના પારસી બાગાન સ્ક્વેરમાં ફરકાવવામાં આવ્યો હતો. તેના પર ધાર્મિક પ્રતિકો હતા. 8 ગુલાબ પણ હતા. તેના પર વંદે માતરમ લખ્યું હતું.
-વર્ષ 2002 પહેલા ભારતના સામાન્ય લોકોને સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ સિવાય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની મંજૂરી નહોતી. આ પછી સુપ્રીમ કોર્ટે 2002માં ફ્લેગ કોડમાં ફેરફાર કર્યો હતો અને જનતાને ધ્વજ ફરકાવવાની મંજૂરી આપી હતી.
-જાણકારી મુજબ ભારતીય ધ્વજ ખાદીનો જ બનાવવો જોઈએ. અન્ય કોઇ કાપડનો ઝંડો ફરકાવવા પર ત્રણ વર્ષની સજા થઇ શકે છે.
સ્વતંત્રતા દિવસ એ તમામ ભારતીયો માટે એક ખાસ દિવસ છે અને તે આપણા દેશની સિદ્ધિઓ પર ગર્વ કરવાનો દિવસ છે. ચાલો આપણે સૌ આ દિવસને આનંદ અને આશા સાથે ઉજવીએ અને ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us