India-China LAC : ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ પર નવી સમજૂતી થઈ છે. વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તર વાતચીત થઇ રહી હતી. તેમણે કહ્યું કે ચીન સાથે મુદ્દાઓ પર સમજૂતી થઇ છે. સૈનિકોની પીછેહઠ અને પરિસ્થિતિના સમાધાન માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
આ સાથે જ પત્રકારોએ દ્વિપક્ષીય વાતચીત પર સવાલ પણ પૂછ્યા હતા. તેના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે અમે હજુ પણ સમય પ્રમાણે કામ કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા અઠવાડિયામાં થયેલી ચર્ચાઓ મુજબ, ભારત-ચીન સરહદી વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે સમજૂતી થઈ છે. 2020માં આ વિસ્તારોમાં જે મુદ્દાઓ ઉઠ્યા હતા, તેનું સમાધાન થઇ રહ્યું છે. સરહદ પરના પ્રશ્નોના નિરાકરણ માટે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારત અને ચીનના વાર્તાકારો સંપર્કમાં છે. કથિત રીતે આ સમજુતી દેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ વ્યવસ્થા સંબંધિત છે.
પૂર્વી લદ્દાખ સરહદ પર 2020માં થયેલી અથડામણ બાદથી ચીન અને ભારતના પડોશી દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. આ કારણે ગલવાનમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા અને મોટી સંખ્યામાં ચીનના સૈનિકોના પણ મોત થયા હતા.
બ્રિક્સ સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી
ભારત માટે આ એક મોટી સફળતા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર પીએમ મોદી આવતીકાલે 16માં બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા માટે કઝાન જવા રવાના થશે. બ્રિક્સના આ સત્રની થીમ વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત કરવાનો છે. ભારત બ્રિક્સ માટે ઘણું મહત્વ ધરાવે છે અને તેના યોગદાને આર્થિક વિકાસ અને વૈશ્વિક શાસન સુધારણા જેવા ક્ષેત્રોમાં બ્રિક્સના પ્રયાસોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો – મોદી સરકારમાં શિવરાજ સિંહ ચૌહાણનું કદ વધ્યું, PMએ સોંપી આ મોટી જવાબદારી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ રશિયામાં લડી રહેલા ભારતીયો અંગે જણાવ્યું હતું કે અમારા દૂતાવાસના અધિકારીઓ તે ભારતીયોના મુદ્દે રશિયાના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના વાર્તાકારોના સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી સમક્ષ પણ આ મામલો લાવવામાં આવ્યો છે. લગભગ 85 લોકો રશિયાથી પાછા ફર્યા છે અને સંઘર્ષ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા લોકોના મૃતદેહો પરત કર્યા છે. લગભગ 20 લોકો ત્યાં રહ્યા છે.