india-canada : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે. કેનેડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર મોટો આરોપ લગાવ્યો હતો અને હવે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા અને અમે તેનો વિરોધ કર્યો છે. ભારતે કેનેડા પર આરોપ લગાવતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચારો પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે અને ખોટી માહિતી લીક કરવામાં આવી રહી છે.
કેનેડામાં ડરના માહોલમાં કામ કરી રહ્યા છે રાજદ્વારીઓ : ભારત
ભારતે સ્પષ્ટપણે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સતામણી અને ડરના વાતાવરણમાં કામ કરી રહ્યા છે. વિદેશ વિભાગે કહ્યું કે કેનેડાની સરકાર સતામણી અને ધમકીમાં સામેલ છે. ભારતે કેનેડાને ચેતવણી પણ આપી છે. ભારતે કહ્યું કે કેનેડાની તાજેતરની ટિપ્પણીઓ બેજવાબદાર છે અને તેના ગંભીર પરિણામો આવશે.
ભારતે શુક્રવારે કેનેડિયન હાઇકમિશનના રાજદ્વારીઓને તલબ કર્યા હતા. કેનેડા દ્વારા ગૃહમંત્રી અમિત શાહ પર આપેલા નિવેદનની ભારતે આકરી નિંદા કરી છે. ભારતે કહ્યું છે કે કેનેડાના તાજેતરના નિવેદનોના કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે.
આ પણ વાંચો – આતંકવાદીઓને મારવાને બદલે સરકારે પકડીને તપાસ કરવી જોઈએ
વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડા અન્ય દેશોને પ્રભાવિત કરવા માટે એક રણનીતિ અંતર્ગત જાણી જોઈને ખોટા નિવેદનો આપી રહ્યું છે. ભારતે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખોટા સમાચાર પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે અને ખોટી માહિતી લીક કરવામાં આવી રહી છે. આ એ જ યોજનાનો એક ભાગ છે, જે વર્ષોથી ચાલી આવે છે. કેનેડાની સરકારનું ભારત પ્રત્યેનું આ દુશ્મનાવટભર્યું વલણ છે. અમે તેમને વારંવાર ચેતવણી આપી છે કે આવા નિવેદનોના ગંભીર પરિણામો આવશે.
કેનેડાએ માહિતી લીક કરવાનું કબૂલ્યું
કેનેડાએ માહિતી લીક કરી હતી અને કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદીઓને નિશાન બનાવવાના અભિયાન પાછળ ગૃહમંત્રી અમિત શાહનો હાથ છે. જોકે તેમણે આ અંગે કોઇ પુરાવા આપ્યા નથી. વડા પ્રધાન ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ડિપ્ટી ફોરેન મિનિસ્ટરે વોશિંગ્ટન પોસ્ટને માહિતી લીક કરવાની કબૂલાત કરી હતી.





