મોદી 3.0માં ચીન સાથે નીતિ અને નિયતીમાં કેટલો ફેરફાર જોવા મળશે?

india china relation : . આ વખતે ગઠબંધન સરકાર છે જ્યાં સાથી પક્ષો પર નિર્ભર રહેવું પણ જરૂરી રહેશે. આવી સ્થિતિમાં આ ગઠબંધન સરકારના કારણે વિદેશ નીતિ પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ કારણ દરેકના મનમાં એક સવાલ છે કે આ વખતે ચીન સાથે ભારતના સંબંધોમાં કેટલો બદલાવ આવવાનો છે

Written by Ashish Goyal
June 21, 2024 18:42 IST
મોદી 3.0માં ચીન સાથે નીતિ અને નિયતીમાં કેટલો ફેરફાર જોવા મળશે?
અમેરિકી કોંગ્રેસની 7 સભ્યોની સમિતિએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી (તસવીર - પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર)

શુભજીત રોય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવ્યા છે પરંતુ આ વખતે તેમને એ જનાદેશ નથી મળ્યો કે જેને મજબૂત સરકારનો ટેગ આપી શકાય. આ વખતે ગઠબંધન સરકાર છે જ્યાં સાથી પક્ષો પર નિર્ભર રહેવું પણ જરૂરી રહેશે. આવી સ્થિતિમાં આ ગઠબંધન સરકારના કારણે વિદેશ નીતિ પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ કારણ દરેકના મનમાં એક સવાલ છે કે આ વખતે ચીન સાથે ભારતના સંબંધોમાં કેટલો બદલાવ આવવાનો છે, નીતિ અને નિયતીમાં કેટલો ફેરફાર જોવા મળશે.

નિવેદનોની રાજનીતિ, સંબંધોમાં સુધારો આવશે?

હજુ સુધી કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ એસસીઓ સમિટ 3 અને 4 જુલાઈએ યોજાવા જઈ રહી છે, જેમાં ભારત અને ચીન બંને હાજર રહેશે. જોકે મોદી અને જિનપિંગની મુલાકાત થાય છે કે નહીં તે અંગે સસ્પેન્સ છે, પરંતુ બંને નેતાઓના જૂના નિવેદનોથી કેટલાક સુધારાની આશા ચોક્કસ વધી રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં ચીન સાથેના સંબંધો પર નિવેદન આપ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે મજબૂત સંબંધો માત્ર બે દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે સકારાત્મક દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા, આપણે સૈન્ય અને રાજદ્વારી સ્તરે શાંતિ સ્થાપિત કરી શકીશું અને સરહદ પરની પરિસ્થિતિમાં સુધારો થશે.

ચીને પણ પીએમ મોદીના તે નિવેદનનું સ્વાગત કર્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત અને ચીનના સંબંધો સરહદ વિવાદ કરતા પણ મોટા છે. સીમા પર જે પણ વિવાદ ચાલી રહ્યા છે તેને ઉકેલવા માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર સતત વાતચીત ચાલી રહી છે, સકારાત્મક પરિણામો દેખાઈ રહ્યા છે. હવે આ નિવેદન આ સમયે બદલાયેલા સંબંધનો આધાર બની શકે છે.

તાઇવાનને લઇને ભારતનું વલણ, ચીન અસહજ

આમ જોવા જઈએ તો જો સીમા વિવાદને છોડી દેવામાં આવે તો તાઈવાન સાથે ભારતના સંબંધો કેવા રહે છે, તેની અસર ચીન સાથેના સંબંધો પર પણ પડવાની છે. ચીન તાઇવાનને પોતાનો ભાગ ગણાવે છે, તો બીજી તરફ તાઇવાને પોતાને સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે. ભારતની વાત કરીએ તો તેણે તાઇવાન સાથેના સંબંધોમાં સંતુલન જાળવી રાખ્યું છે. સત્તાવાર રીતે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી, પરંતુ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં ચોક્કસપણે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

પરંતુ આ વખતે પીએમ મોદીની જીત બાદ જે રીતે તાઇવાને અભિનંદન સંદેશ આપ્યો અને પીએમ મોદીએ પણ તેના પર પ્રતિક્રિયા આપી તેનાથી ચીન ખુશ જોવા મળ્યું નહીં. 5 જૂને તાઇવાનના રાષ્ટ્રપતિ વિલિયમ લાઇએ પીએમ મોદીની જીત પર કહ્યું હતું કે તેમને તાઇવાન-ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા છે અને આશા છે કે વેપાર, ટેકનિકી અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધશે. પીએમ મોદીએ પણ આ જ આશા વ્યક્ત કરતા તેમનો આભાર માન્યો હતો. બસ એ ઔપચારિકતા પર જ ચીન ગુસ્સે ભરાયું અને તેણે એક નિવેદન બહાર પાડ્યું હતું.

આ પણ વાંચો – કોણ છે 101 વર્ષની ફ્રાંસીસી મહિલા શાર્લોટ શોપિન? પીએમ મોદીએ વિશ્વ યોગ દિવસ પર કેમ કર્યો તેમનો ઉલ્લેખ?

ચીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતે વન ચાઈના પોલિસીમાંથી પીછેહઠ ન કરવી જોઈએ. આ પહેલા પણ ચીનને તાઇવાન સાથે કોઇ પણ પ્રકારની વાતચીત પસંદ આવી નથી. તે તેને પોતાના સાર્વભૌમત્વની વિરુદ્ધ માને છે. આવી સ્થિતિમાં તાઈવાન પ્રત્યે ભારતનું વલણ શું છે, તેની અસર ચીન પર પણ પડવાની છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં વધુ એક ડિપ્લોમેટિક સંબંધ જોવા મળ્યા છે જેના કારણે ચીન કંઈક અંશે અસહજ થઈ ગયું છે.

તિબેટને લઈને ભારતથી નારાજ છે ચીન

અમેરિકી કોંગ્રેસની 7 સભ્યોની સમિતિએ ધર્મશાળામાં દલાઈ લામા સાથે મુલાકાત કરી હતી. તે બેઠક દરમિયાન પૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તિબેટના આધ્યાત્મિક નેતાનો વારસો કાયમ માટે જીવંત રહેવાનો છે અને શી જિનપિંગને કોઈ યાદ નહીં કરે, કોઈ પણ વસ્તુ માટે તેમને ક્રેડીટ આપશે નહીં. મોટી વાત એ છે કે આ જ કમિટીએ બાદમાં પીએમ મોદી, વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી હતી. શું વાત થઇ તે સ્પષ્ટ નથી, પરંતુ ચીન તેના પર નારાજ થયું હતું.

ચીને આગ્રહ રાખ્યો હતો કે ઝિઝાંગને તેનો ભાગ માનવામાં આવે અને યુ.એસ.એ તેની પ્રાથમિકતાઓ અને સિદ્ધાંતોથી પીછેહઠ ન કરવી જોઈએ. સમજવા જેવી વાત એ છે કે ચીન તિબેટને ઝિઝાંગ કહે છે અને તેને પોતાના દેશનો હિસ્સો માને છે. હવે આ બધા મુદ્દાઓ છે જે ભારત અને ચીનના સંબંધોમાં તિરાડ પાડવાનું કામ કરે છે. સીમા વિવાદને લઈને પણ સૌથી વધુ તણાવ છે.

ગઠબંધનની મજબૂરી, ચીન પ્રત્યે શું છે મોદીની નીતિ?

કહેવામાં આવી રહ્યું છે કે જો આ વખતે પીએમ મોદીને જંગી બહુમત મળ્યો હોત તો ચીન-ભારત સીમા વિવાદ પર સૌથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો હોત, નિર્ણાયક નીતિ પર કામ થઈ શકતુ હતું. પરંતુ નબળા જનાદેશ અને ગઠબંધનની મજબૂરીઓને કારણે પ્રાથમિકતાઓમાં કંઈક અંશે ફેરફાર થયો છે. હવે આ બદલાયેલી પ્રાથમિકતાઓમાં નીતિ અને નીયતિમાં કેટલો ફેરફાર જોવા મળશે, મોદી 3.0માં તે જોવું રસપ્રદ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ