Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 1 February 2025, આજના તાજા સમાચાર: છત્તીસગઢમાં સુરક્ષાકર્મીઓએ સતત નક્સલીઓ સામે મોરચો ખોલી દીધો છે. શનિવારે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા આઠ નક્સલીઓ માર્યા ગયા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની બટાલિયન નંબર 222 અને સીઆરપીએફની કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન (કોબ્રા)ની 202મી બટાલિયનના સંયુક્ત ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર સવારે 8.30 વાગ્યે શરૂ થયું હતું અને ઓપરેશન હજી પણ ચાલુ છે.
અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશ, અત્યાર સુધીમાં 6ના મોત
અમેરિકામાં વધુ એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. ફિલાડેલ્ફિયામાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની માહિતી સામે આવી છે. થોડા દિવસો પહેલા વોશિંગ્ટન ડીસીના પેન્સિલવેનિયામાં પ્લેન ક્રેશ જોવા મળ્યું હતું. આ અકસ્માતમાં 67 લોકોના મોત થયા હતા. જેમાં 67 લોકોના મોત થયા હતા. હવે ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી એએફપીએ સ્થાનિક મીડિયાને ટાંકીને પ્લેન ક્રેશ અંગે માહિતી આપતા કહ્યું કે નાના પ્લેનમાં બે લોકો સવાર હતા, પરંતુ પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું અને મકાનો અને ઈમારતોની ઉપર પડી ગયું. આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે.
ગુજરાતમાં 64 IAS અધિકારીઓની બદલી અને 4 IASને પ્રમોશન
ગુજરાતમાં એક સાથે 64 IAS અધિકારીઓની બદલી અને 4 IASને પ્રમોશન આપવામાં આવ્યા છે. અમદાવાદ મનપા કમિશનર એમ. થેન્નારસનની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ બંછાનિધિ પાનીને મૂકવામાં આવ્યા છે
ગાઝિયાબાદમાં સિલિન્ડર ભરેલી ટ્રકમાં એક પછી એક ડઝનેક બ્લાસ્ટ
સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સિલિન્ડરોથી ભરેલી ટ્રકમાં એક પછી એક વિસ્ફોટ થયા. આ વિસ્ફોટોનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ટ્રકમાં સતત વિસ્ફોટ થવાને કારણે આગ થોડી જ વારમાં નજીકના ઘરોમાં પહોંચી ગઈ હતી. આગના કારણે અનેક વાહનો પણ બળીને રાખ થઈ ગયા છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ચીફ ફાયર ઓફિસર રાહુલ પાલે કહ્યું, “સવારે લગભગ 4.35 વાગ્યે અમને માહિતી મળી કે LPG સિલિન્ડરોથી ભરેલી ટ્રકમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે નજીકના ઘરોને ખાલી કરાવ્યા…આગ 2-3 ઘરો અને કેટલાક વાહનોમાં ફેલાઈ ગઈ હતી. આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી…”
નલિયામાં 6 ડિગ્રી ઠંડી ઘટીને 9.4 ડિગ્રી પહોંચી
ગુજરાતમાં તાપમાનમાં મીશ્ર વલણની સ્થિતિ વચ્ચે શુક્રવારે ઠંડીનો ચમકારો નોંધાયો હતો. હવામાન વિભાગે આપેલા તાપમાનનાં આંકડા પ્રમાણે ગુજરાતમાં શુક્રવારે 9.4 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. નલિયામાં 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.





