Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 11 February 2025, આજના તાજા સમાચાર: પંજાબમાં મુખ્યમંત્રી બદલાવાના નથી, AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે આનો સંકેત આપ્યો છે. AAP ધારાસભ્યો સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું કે પંજાબમાં એ જ નેતૃત્વ રહેવાનું છે અને એ જ કામ થવાનું છે. હવે આ નિવેદન મહત્ત્વપૂર્ણ છે કારણ કે દિલ્હીમાં ચૂંટણી હાર બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે અરવિંદ કેજરીવાલ હવે પંજાબ જશે.
પરંતુ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતે સ્પષ્ટ કર્યું છે કે પંજાબમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થવાનો નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે ભગવંત માન પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ચાલુ રાખશે. જો કે આ પહેલા મીડિયા સાથે વાત કરતા સીએમ ભગવંત માને પણ કહ્યું હતું કે પંજાબને આપેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે, દરેક ગેરંટી પૂરી કરવામાં આવશે.
ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમ મોદીએ કહ્યું કે, આગામી 2 દાયકા ભારત માટે મહત્વપૂર્ણ છે
પીએમ મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2025ના ઉદ્ઘાટન સમારોહમાં વર્ચુઅલી સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત સમય પહેલા લક્ષ્ય હાંસલ કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દુનિયાના દરેક એક્સપર્ટ આજે કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત પોતાના જ નહીં પરંતુ દુનિયાના ગ્રોથને ડ્રાઈવ કરી રહ્યું છે. આમાં આપણા એનર્જી સેક્ટરની બહુ મોટી ભૂમિકા છે. છેલ્લા દશકોમાં ભારત 10મીથી આગળ વધીને 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયો છે. આપણી સૌર ઉર્જાનું ઉત્પાદન ક્ષમતા 32 ઘણી વધી ગઈ છે. આજે ભારત ત્રીજો સૌથી મોટો સૌર ઊર્જા ઉત્પાદક દેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસમાં AI સમિટની સહ અધ્યક્ષતા કરશે. તે પહેલા આયોજિત વેલકમ ડિનરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ સોમવારે ટ્વિટર પર લખ્યું કે તેઓ પેરિસમાં તેમના મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનને મળીને ખુશ છે. વડાપ્રધાને ડિનરમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પણ મુલાકાત કરી હતી.
પ્રયાગરાજમાં સર્વત્ર ટ્રાફિક જામના કારણે સપ્લાય ચેઇન તૂટી
મહાકુંભમાં ભારે ભીડને કારણે મુખ્ય માર્ગો લગભગ ગૂમ થઈ ગયા છે. રસ્તા પર કેટલાય કિલોમીટર સુધી જામ છે. પ્રયાગરાજ સરહદની બહાર બહારથી માલસામાન લઈ જતા વાહનોને રોકી દેવામાં આવ્યા છે. ટ્રકો પણ અંદર આવી શકતી નથી. દરેક જગ્યાએ બેરીકેટ અને રસ્તાઓ બંધ હોવાને કારણે કન્ટેનર ભરીને પણ માલસામાન પહોંચી શકતો નથી. શહેરમાં દવાઓ, દૂધ અને રાશન જેવી આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચેઈન તૂટી ગઈ છે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને આંબી ગયા છે. દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. ઇન્સ્યુલિન માટે પણ લોકો મેડિકલ સ્ટોરના ચક્કર લગાવી રહ્યા છે. આ મોંઘવારીને કારણે અહીં આવતા શ્રદ્ધાળુઓની સાથે પ્રયાગરાજના દુકાનદારો અને સામાન્ય લોકો પણ પરેશાન છે.
નલિયામાં તાપમાન ઘટીને 10 ડિગ્રીની સપાટી નીચે પહોંચ્યું
અત્યારે ગુજરાતના તાપમાનમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં સોમવારે 9.8 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 13.5 ડિગ્રી જ્યારે કેશોદમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





