Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 11 March 2024 Highlight, આજના તાજા સમાચાર : આજે 11 માર્ચ 2024, સોમવાર છે. આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરુ થઈ ગઈ છે. આશરે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. બીજી તરફ આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
અહીં વાંચો આજના તાજા સમાચાર
CAA નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું
આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા CAA નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ પછી આજથી જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએએ લાગુ કરવામાં આવશે. સીએએને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે.
ધો.10નું પહેલું ગુજરાતી પેપર પુરુ
ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પહેલું પેપર ગુજરાતી વિષયનું હતું. ગુજરાતી વિષયનું આ પેપર લાંબુ પૂછાયું હતું અને અઘરું વ્યાકરણથી વિદ્યાર્થીઓ મુંઝાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે એકંદરે ગુજરાતી પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓ માની રહ્યા છે.
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી દીધી છે અને 12 માર્ચ સુધીમાં વિગતો આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ ECને આ વિગતો 15 માર્ચ સુધીમાં જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે SBI પર મોટી ટિપ્પણી કરી છે. CJIએ કહ્યું કે અમે તમને ડેટા મેચ કરવા માટે નથી કહ્યું, તમે આદેશનું પાલન કરો. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે તમારે ફક્ત સીલબંધ કવરમાંથી ડેટા કાઢીને મોકલવો પડશે.
CJI એ પણ SBI ને પૂછ્યું કે તમે છેલ્લા 26 દિવસમાં શું કામ કર્યું, તમારો કેટલો ડેટા મેચ થયો. મેચિંગ માટે સમય માંગવો યોગ્ય નથી. અમે તમને આમ કરવાની સૂચના આપી નથી. આખરે તમામ વિગતો મુંબઈની મુખ્ય શાખાને મોકલી દેવામાં આવી છે. તમે અરજીમાં કહ્યું છે કે એક સિલોથી બીજામાં માહિતી મેળવવી એ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.