Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 January 2025, આજના તાજા સમાચાર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 12 નક્સલી માર્યા ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે 9 વાગ્યાની આસપાસ દક્ષિણ બીજાપુરના જંગલમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. મોડી સાંજ સુધી બંને તરફથી વચ્ચે-વચ્ચે ફાયરિંગ થતું રહ્યું હતું. આ ઓપરેશનમાં રાજ્ય પોલીસના ત્રણ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ના સૈનિકો, કોબ્રાની પાંચ બટાલિયન (સીઆરપીએફની એક ચુનંદા જંગલ વોરફેર યુનિટ – કમાન્ડો બટાલિયન ફોર રિસોલ્યુટ એક્શન) અને સીઆરપીએફની 229મી બટાલિયનનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સમજૂતી થઈ
ઇઝરાયેલ અને હમાસ છેલ્લા 16 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામ અને બંધક કરાર પર પહોંચી ગયા છે. ટૂંક સમયમાં હમાસ તબક્કાવાર રીતે ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે.
ઇઝરાયેલ અને હમાસ કતારની રાજધાની દોહામાં યુદ્ધવિરામ કરાર પર સહમત થયા છે. પ્રથમ તબક્કામાં, હમાસ 33 બંધકોને મુક્ત કરે તેવી અપેક્ષા છે, જ્યારે સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને ઇઝરાયેલની જેલોમાંથી મુક્ત કરવામાં આવશે. જો કે, આ ડીલને હજુ ઇઝરાયેલની કેબિનેટની મંજૂરીની જરૂર છે.
પ્રારંભિક તબક્કાના 16માં દિવસે બીજા તબક્કાની વાતચીત શરૂ થશે. બાકીના તમામ બંધકોની મુક્તિ અંગે આ તબક્કે ચર્ચા થવાની અપેક્ષા છે. કરારના ત્રીજા અને અંતિમ તબક્કામાં તમામ મૃત વ્યક્તિઓને તેમના પરિવારોને પરત કરવા અને ગાઝાના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે.
કેબિનેટે બજેટ 2025 પહેલા આઠમા પગાર પંચને મંજૂરી આપી
કેન્દ્ર સરકારના કર્મચારીઓની આતુરતા આખરે પૂરી થઈ ગઈ છે અને બજેટ 2025 પહેલા ઘણા સારા સમાચાર આવ્યા છે. કેબિનેટે બજેટ 2025 પહેલા આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. તમને જણાવી દઈએ કે 7માં પગાર પંચની અવધિ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે અને આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. માહિતી અનુસાર આઠમાં પગાર પંચની રચના પહેલા રાજ્ય સરકારો, પીએસયુ વગેરેની સલાહ લેવામાં આવશે. આઠમાં પગાર પંચના ચેરમેન અને બે સભ્યોના નામની પણ ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. HTના અહેવાલ મુજબ અભિનેતાના બાંદ્રાના ઘરમાં એક ચોર ઘૂસ્યો હતો અને આ દરમિયાન તેણે સૈફ પર હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ઘાયલ થયો હતો. આ ઘટના ગુરુવારે સવારે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે, જ્યારે અભિનેતા તેના પરિવારના અન્ય સભ્યો સાથે તેના ઘરમાં સૂતો હતો.





