Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 2 February 2025, આજના તાજા સમાચાર: કોંગ્રેસ શાસિત રાજ્યમાં તેલંગાણામાં અસંતોષ અને બળવાના અહેવાલો મળી રહ્યા છે. અહેવાલો મળી રહ્યા છે કે પાર્ટીના 10 ધારાસભ્યોએ અલગથી બંધ બારણે બેઠક યોજી છે. આ પછી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સક્રિય થયા છે અને ધારાસભ્યોમાં વધી રહેલા અસંતોષને ખતમ કરવા માટે પગલાં ભર્યા છે. તેલંગાણામાં 2023માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચંદ્રશેખર રાવની સરકારને હટાવી સરકાર બનાવી હતી. કહેવાય છે કે મોટાભાગના બળવાખોર નેતાઓ ગત વર્ષે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)થી કોંગ્રેસમાં સામેલ થયા હતા. બીઆરએસના નેતાઓ કોંગ્રેસના નેતાઓ સાથે સંકલન સાધી શકતા નથી, જેના કારણે કોંગ્રેસના સ્થાનિક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ભારતે ઇંગ્લેન્ડ સામે 4-1થી ટી 20 શ્રેણી જીતી
અભિષેક શર્માની સદી (135) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટી 20માં 150 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટી 20 શ્રેણી 4-1થી જીતી લીધી છે.
ડાંગમાં લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 લોકોના મોત
ડાંગ જિલ્લામાં ખાનગી લક્ઝરી બસ પલટી ખાઇ જતા 5 મુસાફરોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડાંગ જિલ્લામાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર વહેલી સવાર 4 વાગે આસપાસ ખાનગી બસ પલટી ખાઇ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં લગભગ 50 મુસાફરો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમા બે મહિલા અને 3 પુરુષ છે. અકસ્માતની જાણ કરતા પોલીસ અને ડોક્ટર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.