Gujarati News 2 June 2024 Highlights: લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. 4 જૂને લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થશે. આ દરમિયાન આજે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. આજના મોટા સમાચારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ આજે આત્મસમર્પણ કર્યું છે. ગુજરાત સહિત દેશભરમાં તાપમાન વધી રહ્યું છે. લોકસભા ચૂંટણી, રાજકારણ, રમતગતમ, વેપાર, મનોરંજન સહિત તમામ લાઇવ સમાચાર માટે માટે gujarati.indianexpress.com સાથે જોડાયેલા રહો….
અરુણાચલ પ્રદેશમાં ફરી ભાજપની સરકાર, 46 બેઠકો પર જીત મેળવી
અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરી થઈ ગઈ છે. અરુણાચલ પ્રદેશની 60 બેઠકોમાંથી ભાજપે 46 બેઠકો પર જીત મેળવી છે. એનપીપીને 5, કોંગ્રેસને 1 અને અન્યને 8 સીટો મળી છે.
સિક્કિમમાં SKM પાર્ટીએ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 બેઠકો જીતી
સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરી થઈ ગઈ છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગની આગેવાની હેઠળ સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 બેઠકો જીતી હતી. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટને 1 સીટ મળી છે.
અરવિંદ કેજરીવાલે કર્યું સરેન્ડર, કહ્યું – હવે મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ
દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે તિહાડ જેલમાં સરેન્ડર કરી દીધું છે. બીજી તરફ દિલ્હીની એક કોર્ટે સીએમને 5 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ પહેલા સીએમ કેજરીવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે મને પ્રચાર માટે 21 દિવસના જામીન આપ્યા છે. હું આ માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. આજે હું ફરી તિહાડ જેલ જઈ રહ્યો છું. મેં આ 21 દિવસોમાંથી એક મિનિટ પણ બગાડી નથી. મેં માત્ર આપ માટે જ નહીં પરંતુ ઘણી પાર્ટીઓ માટે પણ પ્રચાર કર્યો છે.
કોંગ્રેસની લોકસભા ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ મિટિંગ
લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસ દ્વારા દિલ્હી ઓફિસમાં તમામ લોકસભા ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી હાજર રહ્યા હતા.