Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 December 2024, આજના તાજા સમાચાર: ઉત્તરપ્રદેશના મેરઠમાં એક શિવ મહાપુરાણ કથા દરમિયાન નાસભાગ થઇ હતી. આ કથામાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી. નાસભાગ થતા ઘણી મહિલાઓ દબાઇ ગઇ હતી અને ઘાયલ થઇ હતી.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. હરિયાણાના પૂર્વ સીએમ અને ઈન્ડિયન નેશનલ લોકદળના પ્રમુખ ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે 89 વર્ષની વયે ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઓમ પ્રકાશ ચૌટાલાનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. ઓમ પ્રકાશ ચૌટાલા છેલ્લે 5 ઓક્ટોબરે હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં જોવા મળ્યા હતા. તેઓ સિરસાના એક પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
હરિયાણા સરકારે INLD સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર 3 દિવસનો રાજકિય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર 21 ડિસેમ્બરે સિરસામાં રાજકિય સન્માન સાથે કરવામાં આવશે.
દિલ્હીમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દિલ્હીની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાને આજે સવારે બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી મળતા સુરક્ષા દળો શાળા પર પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીના દ્વારકા વિસ્તારની ડીપીએસ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા બંધ રાખવામાં આવી છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આ છઠ્ઠી ઘટના છે. અગાઉ મંગળવારે સાઉથ દિલ્હી અને નોર્થ દિલ્હીની બે શાળાને બોમ્બની ધમકી હતી.
જયુપરમાં કેમિકલ ટેન્કર વાહન સાથે અથડાતા ભયંકર વિસ્ફોટ, ઘણા વાહનો અને પેટ્રોલ પંપ ખાખ, 4 મોત
રાજસ્થાનના અજમેર જયપુર રોડ ભાંકરોટા વિસ્તારમાં કેમિકલ ટેન્કરે વાહનને ટક્કર મારતા ટેન્કરમાં વિસ્ફોટ થતા ભયંકર આગ લાગી હતી. આ વિસ્ફોટથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘણા વાહનો અને પેટ્રોલ પંપ પણ ચપેટમાં આવી ગયા હતા.જયપુરના કલેક્ટર જિતેન્દ્ર સોનીએ જણાવ્યું કે, આ ઘટનામાં 4 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા છે અને 40 વાહનોને નુકસાન થયું છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગ્રેડ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચા ગયા છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટના બાદ જયપુર અજમેર હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.





