Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 20 January 2025, આજના તાજા સમાચાર: કોલકાતાની સિયાલદાહ કોર્ટે શનિવારે મુખ્ય આરોપી સંજય રોયને આરજી કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી ઠેરવ્યો છે. કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં સોમવારે સીયાલદહ કોર્ટે સંજય રોયને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે રાજ્યના સીએમ મમતા બેનર્જી આ નિર્ણયથી સંતુષ્ટ નથી. આ નિર્ણય બાદ મુર્શિદાબાદમાં મીડિયા સાથે વાત કરતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે પહેલા દિવસથી જ અમે મોતની સજાની માંગ કરી રહ્યા છીએ. આવો ગુનો કરનાર વ્યક્તિને આકરી સજા થવી જોઈએ.
સંજય રોયને ભારતીય ન્યાયિક સંહિતા (BNS) ની કલમ 64 હેઠળ બળાત્કાર તેમજ મૃત્યુ અને હત્યા માટે ભારતીય દંડ સંહિતાની કલમ 66 અને 103(1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. ખાસ કરીને, BNS ની કલમ 103(1) વધુમાં વધુ આજીવન કેદ અથવા મૃત્યુની સજાની જોગવાઈ કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ટ્રમ્પ પહેલીવાર 2016માં ચૂંટણી જીત્યા હતા અને 2020ની ચૂંટણીમાં હારી ગયા હતા. હવે ફરી એકવાર ટ્રમ્પ સુપરપાવર દેશ અમેરિકાના સૌથી શક્તિશાળી નેતા બન્યા છે. તેમણે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
બે દિવસમાં નલિયામાં ચાર ડિગ્રી તાપમાન વધ્યું
શિયાળો ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે શનિવાર અને રવિવાર એમ બે દિવસમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં સરેરાશ 4 ડિગ્રી તાપમાન વધ્યું હતું. જેથી ઠંડીમાં ગણી રાહત જોવા મળી હતી. નલિયામાં પણ બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન વધતાં ઠંડીનો પારો ઉચકાઈને 10 ડિગ્રીની પાર નીકળી 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં 10.5 ડિગ્રીથી લઈને 19.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.





