Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 January 2025, આજના તાજા સમાચાર: બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો હતો. છેલ્લા 6 મહિનાથી વચગાળાની સરકાર ભારત સરકાર પાસે તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. આ અંગે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના સલાહકારો સતત આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. તેમના કાયદાકીય સલાહકાર આસિફ નજરૂલે કહ્યું હતું કે જો ભારત શેખ હસીનાને પાછા નહીં મોકલે તો તે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન ગણાશે. ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તે પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતથી પાછા લાવવાના તેમના પ્રયત્નો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ પણ કરશે.
સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ, ઘરે લગાવ્યા સીસીટીવી
સૈફ અલી ખાનને 5 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે કેટલીક નિયમિત તપાસ કરાવી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સૈફ અલી ખાન પર હુમલા બાદ તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના ઘરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.
તુર્કીની હોટલમાં ભીષણ આગ, 66ના મોત, 51 ઇજાગ્રસ્ત
તુર્કીની એક હોટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં એક સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 51 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તુર્કીના ગૃહ મંત્રીએ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે એક લોકપ્રિય સ્કી રિસોર્ટમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. મંત્રીએ જણાવ્યું હતું કે, મંગળવારે વહેલી સવારે લાગેલી આગમાં ઓછામાં ઓછા 51 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મહાકુંભમાં ગૌતમ અદાણીએ સંગમમાં પૂજા કરી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી મહાકુંભમાં ભાગ લેવા મંગળવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમણે ત્રિવેણી સંગમમાં પ્રાર્થના કરી હતી. અદાણી ગ્રુપ ઈસ્કોન અને ગીતા પ્રેસના સહયોગથી મહાકુંભમાં ભક્તોની સતત સેવામાં વ્યસ્ત છે. મહાકુંભ મેળા વિસ્તારમાં દરરોજ એક લાખ ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક કરોડ ભક્તોને આરતી સંગ્રહનું વિતરણ કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે.
નલિયામાં 10.5 ડિગ્રી લઘુતમ તાપમાન યથાવત
ગુજરાતના તાપમાનમાં સામાન્ય ફેરફાર નોંધાયો હતો. સોમવારના દિવસે ગુજરાતમાં 10.5 ડિગ્રીથી લઈને 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં રવિવારના તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં 10.5 ડિગ્રી પર યથાવત રહ્યું હતું. જ્યારે વેરાવળમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





