Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 January 2025, આજના તાજા સમાચાર: વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગન રેડ્ડીના નજીકના મનાતા વિજયસાઇ રેડ્ડીએ રાજનીતિ છોડવા અને રાજ્યસભામાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે તેઓ કોઈ અન્ય પાર્ટીમાં સામેલ નહીં થાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું કે હું રાજકારણ છોડી રહ્યો છું. હું 25 જાન્યુઆરીએ રાજ્યસભામાંથી રાજીનામું આપી રહ્યો છું.
વિજયસાઈ રેડ્ડી વાયએસઆરસીપીના રાષ્ટ્રીય મહામંત્રી છે. રેડ્ડીએ એક્સ પર પોતાની લાંબી પોસ્ટમાં કહ્યું, “હું રાજકારણ છોડી રહ્યો છું. હું આવતીકાલે 25 તારીખે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. હું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈશ નહીં. લાભની આશાએ હું અન્ય કોઈ હોદ્દા પર રાજીનામું નહીં આપું. હું વાયએસ પરિવારનો આભારી છું, જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને ચાર દાયકા અને ત્રણ પેઢી સુધી ટેકો આપ્યો, તેમણે મને બે વાર રાજ્યસભાના સભ્ય બનવાની તક આપી અને મને આટલા ઉંચા સ્તર સુધી લઇ જવા પર હું જગન ગારુને અભિનંદન આપું છું. મારો આ નિર્ણય સંપૂર્ણપણે વ્યક્તિગત છે. મારા પર કોઈ દબાણ નથી. કોઈએ મને લલચાવ્યો નથી.
ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ, 5 લોકોના મોત
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો છે, તેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. મૃતકો એક જ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ છે. હવે આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે સ્પષ્ટ નથી, પરંતુ બચાવ પર તમામ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘણા લોકો ફસાયેલા હોવાથી તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ સવારે 10 વાગ્યે થયો હતો અને તેના કારણે ફેક્ટરીની છત પડી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે છત ધરાશાયી થવાથી મોટાભાગના કર્મચારીઓને નુકસાન થયું છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત સામે આવ્યા છે, પરંતુ હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લોખંડના મોટા ટુકડા દૂર દૂર સુધી પડ્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું – અપરાધ સંબંધિત ઘટનાઓને રોકવા માટે સરહદ પર વાડ જરૂરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સરહદ પર વાડ કરવા માટે અનેક કરાર થયા છે. અપરાધ સંબંધિત ઘટનાઓને રોકવા માટે સરહદ પર વાડ કરવી જરૂરી છે. વાડની ગતિવિધિ બંને દેશો વચ્ચેના કરાર મુજબ થઈ રહી છે, બંને દેશોએ કરારને અમલમાં મૂકવા માટે સાથે મળીને આગળ વધવું જોઈએ.
વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો ધમકી ભર્યો મેઈલ, તંત્ર દોડતું થયું
દિલ્હીમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓ બંધ થતાં ગુજરાતના વડોદરામાં સ્કૂલમાં બોમ્બ હોવાનો ઈમેઈલ મળતાં તંત્ર દોડતું થયું હતું. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાની પ્રિન્સિપાલને ઇ-મેઈલ મળતાં સ્કૂલનું તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે.
આણંદના ખંભાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાંથી ગુજરાત ATS એ કરોડોના ડ્રગ્સ સાથે પાંચની કરી ધરપકડ
ગુજરાતના આણંદ જિલ્લામાં એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. આણંદના ખંભાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઉપર ગુજરાત એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી એટીએસની ટીમને કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા કરોડોના દ્રગ્સ સાથે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોષીએ આ અંગે માહિતી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની કોર્ટનો મોટો ઝટકો
અમેરિકાની એક ફેડરલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે બર્થરાઈટ સિટિઝનશિપ સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આગામી મહિના સુધી જે લોકોના માતા-પિતા અમેરિકન ન હોવા છતાં જન્મથી અમેરિકન નાગરિકતા ધરાવે છે તેઓને અમેરિકન નાગરિકતા ગુમાવવાનો ડર હતો. જોકે, કોર્ટે સ્પષ્ટપણે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને ગેરબંધારણીય જાહેર કર્યો હતો.
નલિયામાં તાપમાન ઉચકાયું
અત્યારે ગુજરાતમાં તાપમાનમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું ક્યાં ક્યાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે ક્યાંક વધારો થયો હતો. ગુજરાતમાં 9.8 ડિગ્રીથી 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાન વધીને 9.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





