Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 3 August 2024 Highlights, આજના તાજા સમાચાર: જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શનિવારે નાર્કો-ટેરરિઝમ લિંક્સના આરોપસર પાંચ પોલીસકર્મીઓ સહિત છ સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ તેમને સેવામાંથી બરતરફ કરવા માટે બંધારણની કલમ 311(2)(સી) નો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં બહાર આવ્યું છે કે આ કર્મચારીઓ પાકિસ્તાની જાસૂસી એજન્સી ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) અને તેમની ધરતી થી સક્રિય આતંકવાદી જૂથો દ્વારા સંચાલિત નાર્કો-ટેરર નેટવર્કનો ભાગ હતા.
મનુ ભાકરે ત્રીજો મેડલ જીતવાની તક ગુમાવી, ચોથા સ્થાને રહી
પેરિસ ઓલિમ્પિકના આઠમા દિવસે શનિવારે (3 ઓગસ્ટ) ભારતની નજર સ્ટાર શૂટર મનુ ભાકર પર હતી. જોકે તે 25 મીટર પિસ્તોલ સ્પર્ધા સહેજ માટે મેડલ જીતવાથી વંચિત રહી હતી. તે ચોથા સ્થાને રહી હતી અને તે ત્રીજો મેડલ ચુકી ગઇ હતી. આ પહેલા તે પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. ભારતે પેરિસમાં અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે.
વરસાદમાં એકનાથ શિંદેને મળવા પહોંચ્યા રાજ ઠાકરે
મહારાષ્ટ્રના હવામાનની જેમ આ સમયે રાજ્યનું રાજકારણ પણ બદલાઈ રહ્યું છે. દરમિયાન, ભારે વરસાદ વચ્ચે, MNS ચીફ રાજ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પહોંચ્યા. જેને લઈને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. એવી પણ ચર્ચા છે કે MNS ચીફ રાજ ઠાકરેએ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈને એકનાથ શિંદે સાથે વાત કરી છે. જો કે આ અંગે કોઈ નક્કર માહિતી નથી.
આટલી માહિતી ચોક્કસપણે બહાર આવી છે કે રાજ ઠાકરે એમએનએસના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા. જેમાં બીડીડી ચાલના પુનઃવિકાસ, પોલીસ હાઉસિંગ કોલોનીના પુનઃવિકાસ અને અન્ય કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. આ માહિતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શેર કરવામાં આવી છે.
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા કમલા હેરિસ
ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કમલા હેરિસ 5 નવેમ્બરે યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરશે.
ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ કમલા હેરિસે ટ્વીટ કર્યું કે 2025 માટે ટ્રમ્પની યોજના અમેરિકાને અંધકારમય ભૂતકાળમાં લઈ જવાની છે. તે ખરાબ આર્થિક નીતિઓ અમલમાં મૂકશે, અબજોપતિઓને ટેક્સમાં છૂટ આપશે અને વિદ્યાર્થીઓની લોન માફી બંધ કરશે. તેમણે ઉમેર્યું, “શું તમે વિશ્વાસ કરી શકો છો કે તેઓએ તે લેખિતમાં આપ્યું છે?”






