Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 February 2025 LIVE, આજના તાજા સમાચાર :પીએમ મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. 12 કરોડ લોકોને નળ દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારું ધ્યાન ગરીબો માટે ઘરો બનાવવા પર છે. જે લોકો ગરીબોની ઝૂંપડીઓમાં ફોટો સેશન કરાવે છે તેમને ગરીબોની વાત બોરિંગ જ લાગશે. સમસ્યાને ઓળખ કરી છૂટી ના શકીએ, સમસ્યાનું સમાધાન પણ કરવાનું હોય છે.
…તો હું રાજીનામું આપવા તૈયાર છું, લોકસભામાં મહાકુંભ દુર્ઘટનાને લઇને અખિલેશ યાદવનો મોટો દાવો
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એકવાર ફરીથી સંસદમાં મહા કુંભ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મહાકુંભમાં મૃતકોનો આંકડો જાહેર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે સંસદમાં બે મિનિટનું મૌન હોવું જોઈએ. અખિલેશ યાદવે સંસદમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પ્રચાર કરવામાં આવ્યો કે અમે 100 કરોડની તૈયારી અમે કરી રાખી છે. અખિલેશ યાદવે કહ્યું કે જો સરકાર મારા નિવેદનને ખોટું કહે છે અને કહે છે કે 100 કરોડ લોકોની સિસ્ટમની વાત કરવામાં આવી નથી, તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું. અખિલેશ યાદવે કહ્યું કે મહાકુંભમાં લોકો પૂર્ણ્ય કમાવવા માટે આવ્યા હતા પરંતુ લાશ લઈને ગયા.
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકારની પહેલ, કમિટીની રચના કરાઈ
ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા અંગે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીએ યુસીસીના અમલ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરાઈ છે. આ કમિટી 45 દિવસની અંદર રિપોર્ટ આપશે. પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે.
કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન
ગુજરાતના રાજકારણમાંથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે 4 ફેબ્રુઆરી 2025ના મંગળવારે સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે. સવારે 10.30 વાગ્યા સુધી તેમના અંતિમ દર્શન કરી શકાશે. નોંધનીય છે કે કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષ 2017 અને 2022માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા.
PM મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જશે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે: સૂત્રો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે, જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ મામલાની જાણકારી ધરાવતા લોકોએ સોમવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે યોજના મુજબ મોદી પેરિસની બે દિવસની મુલાકાત પૂરી કરીને વોશિંગ્ટન ડીસી જશે.
ટ્રમ્પ બીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીની અમેરિકાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. ટ્રમ્પ વહીવટીતંત્ર બીજી ટર્મ માટે સત્તામાં આવ્યાના અઠવાડિયામાં દ્વિપક્ષીય મુલાકાતે વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેનારા કેટલાક વિદેશી નેતાઓમાં મોદી પણ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર મેક્સિકો બાદ કેનેડાએ પણ 40 દિવસની રાહત આપી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડા અને મેક્સિકો વિરુદ્ધ આક્રમક છે અને તાજેતરમાં તેમણે જાહેરાત કરી હતી કે બંને દેશો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશોના સ્થાનિક વેપારીઓ માટે મોટી સમસ્યા સર્જાઈ હતી, પરંતુ હવે લાગે છે કે ટ્રમ્પ આ મુદ્દે નરમ પડી શકે છે. તેનું કારણ એ છે કે જ્યાં એક તરફ મેક્સિકોના રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે વાત કરી છે તો બીજી તરફ ટ્રમ્પે પોતે પણ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાત કરી છે.
મેક્સીકન રાષ્ટ્રપતિ શેનબૌમે કહ્યું કે તેણીએ ટ્રમ્પ સાથે વાત કરી છે અને તેઓ તાત્કાલિક અસરથી મેક્સિકો પરના ટેરિફને એક મહિના માટે રોકવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું કે મેક્સિકો યુએસમાં ડ્રગની દાણચોરીને રોકવા માટે સરહદ પર તરત જ 10,000 નેશનલ ગાર્ડ તૈનાત કરશે. આ માટે તેમણે ટ્રમ્પને આશ્વાસન પણ આપ્યું છે.
રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે
ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. એટલે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.





