Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 5 June 2024 Highlights, આજના તાજા સમાચાર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે જેમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર એનડીએની બનશે પરંતુ વિપક્ષમાં કોંગ્રેસને બેસાડશે. પરિણામોએ સૌ કોઈને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. હવે ક્યારે અને કેવી રીતે સરકાર બનશે એ જોવું રહ્યું. બીજી તરફ ગુજરાતમાં પણ ભાજપે એક બેઠક ગુમાવી છે. એનડીએની બેઠક મળી હતી. જેમાં ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, પવન કલ્યાણ, ચિરાગ પાસવાન, પ્રફુલ પટેલ, અનુપ્રિયા પટેલ, જયંત ચૌધરી અને કુમારસ્વામી હાજર રહ્યા હતા. એનડીએ સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી દીધી છે. આ દરમિયાન એનડીએના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને કેન્દ્રીય મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદને પદ પર ચાલુ રહેવા વિનંતી કરી: રાષ્ટ્રપતિ ભવન
8 જૂને થઈ શકે છે નવી સરકારનો શપથ ગ્રહણ
લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે હવે નવી સરકાર બનાવવાની કવાયત પણ હાથધરવામાં આવી છે. સમાચાર આવી રહ્યા છે કે 8 જૂનના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.
શેરબજારમાં જોરદાર કમબેક
આજે (5 જૂન 2024) ભારતીય શેરબજારમાં સકારાત્મક વલણ સાથે ટ્રેડિંગ શરૂ થયું. મંગળવારે (4 જૂન, 2024) ના રોજ 4 વર્ષમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરનાર શેરબજારે આજે જોરદાર પુનરાગમન કર્યું હતું. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 948.83 પોઈન્ટ વધીને 73,027.88 પર ખુલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 247.1 પોઈન્ટ વધીને 22,131.60 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
વડાપ્રધાન મોદીએ બોલાવી કેબિનેટ બેઠક
લોકસભા ચૂંટણી-2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત અનુસાર, ભાજપને 240, કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટીને 37, TMCને 29, DMKને 22, TDPને 16, JDUને 12, શિવસેના (UBT)ને 9, NCP (પવાર જૂથ)ને 8 બેઠકો મળી છે. આજે, બેઠકોનો રાઉન્ડ દિલ્હીમાં ચાલુ રહેશે, જ્યાં એનડીએ સાંજે 4 વાગ્યે બેઠક યોજવા જઈ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાંજે 6 વાગ્યે મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે.
આજે ઈન્ડિયા ગઠબંધનની મહત્વની બેઠક
લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધને સારો દેખાવ કર્યો છે. સાથે સાથે કોંગ્રેસે પણ પોતાની સીટોમાં વધારો કર્યો છે. હવે ઇન્ડિયા ગઠબંધન વિપક્ષમાં બેશસે કે પછી કોઈ જોડતોડની નીતિથી સરકાર બનાવવા પ્રયાસ કરશે. એ અંગે આજે મહત્વની બેઠક થવા જઈ રહી છે.
શેર માર્કેટમાં ઐતિહાસિક કડાકા બાદ આજે કેવું રહેશે બજાર
લોકસભા ચૂંટણી પરિણામમાં ભાજપની સ્પષ્ટ બહુમતી પર ખતરો દેખાતા અને અન્ય પરિબળોના પગલે શેર માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. હવે પરિણામો આવી ચૂક્યા છે ત્યારે આજે શેર માર્કેટની ચાલ કેવી રહેશે એ જોવું રહ્યું.