Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 February 2025, આજના તાજા સમાચાર: મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભારતીય વાયુસેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ઉડાન ભરી રહેલો પાયલટ આ દુર્ઘટનામાં સુરક્ષિત છે. સમાચાર એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને આપેલી માહિતી મુજબ મધ્ય પ્રદેશના શિવપુરી નજીક ક્રેશ થયેલું વિમાન ટ્વિન સીટર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટ છે. વિમાન નિયમિત તાલીમ ફ્લાઇટમાં હતું. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
એક્ઝિટ પોલ પર કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ પર પણ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ગાલી ગલોજ પાર્ટી ને 55 થી વધુ બેઠકો મળી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા બે કલાકમાં અમારા 16 ઉમેદવારોને ફોન આવ્યા છે કે આપ છોડીને તેમની પાર્ટીમાં આવો, મંત્રી બનાવી દઇશું અને દરેકને 15-15 કરોડ રૂપિયા આપીશું.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે જો તેમની પાર્ટીને 55થી વધુ સીટો મળી રહી છે તો અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે? તેમણે કહ્યું કે દેખીતી રીતે જ આ નકલી સર્વે એટલા માટે કરવામાં આવ્યા છે કે જેથી કેટલાક ઉમેદવારોને તોડવા માટે આ માહોલ બનાવી શકાય.
વિદેશ મંત્રી જયશંકરે અમેરિકાથી ભારતીયોની વાપસી મુદ્દે રાજ્યસભામાં જવાબ આપ્યો
અમેરિકા દ્વારા 104 ભારતીયોને પરત મોકલવા મામલે વિવાદ થયો છે. અમેરિકામાંથી ભારતીયોના દેશનિકાલ મુદ્દે સંસદમાં પણ હંગામો થયો છે. ભારતીયોને અમેરિકાથી પરત કેમ મોકલવામાં તે મામલે દેશના વિદેશ મંત્રી વિદેશ મંત્રી જયશંકર રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. તમને જણાવી દઇયે કે, બુધવારે 104 ભારતીય નાગરિકોને લઈને અમેરિકાનું સૈન્ય વિમાન અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત પરત આવેલા 104 નાગરિકોમાં 30 પંજાબના, 33 હરિયાણા અને ગુજરાતના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અને બે ચંદીગઢના છે. જેમાં 19 મહિલાઓ અને 13 સગીર બાળકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે.
શેખ હસીનાએ હિંસા બાદ સમર્થકોને સંબોધ્યા, યુનુસે ચેતવણી આપી
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાએ ઢાકામાં તેમના પિતા શેખ મુજીબુર રહેમાનના નિવાસસ્થાને સેંકડો દેખાવકારો દ્વારા આગ લગાડવા પર તેમની તીવ્ર નારાજગી વ્યક્ત કરીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈપણ બંધારણ ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસ ભૂંસી શકાતો નથી. તેણે કહ્યું કે બાંગ્લાદેશમાં તેની વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન વાસ્તવમાં તેની હત્યા માટે છે.
શેખ હસીનાએ ફેસબુક લાઈવ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું, ‘હું બાંગ્લાદેશના લોકો પાસેથી ન્યાય ઈચ્છું છું. શું મેં મારા દેશ માટે કંઈ કર્યું નથી? તો પછી આટલું અપમાન શા માટે? મારી બહેન અને મેં એક માત્ર સ્મૃતિને જોડી છે તે લુપ્ત થવાની છે. બંધારણને ભૂંસી શકાય છે, પરંતુ ઈતિહાસને ભૂંસી શકાતો નથી.’
અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે રહેતા નાગરિકોને શોધી શોધીને ડિપોર્ટ કરવાની કામગીરી હાથધરી છે. જે પૈકી યુએસએમાં રહેતા ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીઓને પણ ડિપોર્ટ કરવાની કામગીરી હાથધરી હતી. જેના પગલે 100થી વધારે ભારતીયોને લઈને વિમાન બુધવારે પંજાબના અમૃતસર પહોંચ્યું હતું.
ત્યારબાદ વિધિવત રીતે નાગરિકોને ત્યાંથી રાજ્યના વિવિધ ભાગોમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પૈકી 33 ગુજરાતીઓ પણ હતા. જેમને લઈને વિમાન ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. અને એરપોર્ટ પરથી એક પછી એક લોકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં એકાએક 6 ડિગ્રી ઠંડી વધી
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે બુધવારે અમદાવાદમાં એકાએક ઠંડીનો પારો 6 ડિગ્રી સુધી ગગડ્યો હતો.જેના પગલે અમદાવાદમાં 11.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે આગલા દિવસે 17.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યના પાટનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 10.5 ડિગ્રીએ પહોંચ્યો હતો.





