MEA on PoK Unrest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં (PoK) સરકાર વિરુદ્ધ રોષ ફેલાયો છે. જેને લઈને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા છે, જેને રોકવા માટે પાકિસ્તાની સુરક્ષા દળો બર્બરતાની તમામ હદ ઓળંગી રહ્યા છે. ભારત સરકારે પીઓકેમાં પાકિસ્તાન દ્વારા અપનાવવામાં આવી રહેલા દમનકારી વલણ સામે વાંધો ઉઠાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનનું દમનકારી વલણ અને ગેરકાયદેસર કબજો આ પરિસ્થિતિઓનું મૂળ કારણ છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીઓકેના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને સામાન્ય નાગરિકો પર પાકિસ્તાની સેનાનું દમનના અહેવાલો સામે આવ્યા છે. આ બધું પાકિસ્તાનની ખરાબ નીતિઓનું પરિણામ છે. ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન પીઓકેના સ્થાનિક સંસાધનોનું શોષણ કરે છે અને લોકો પર ઘોર અત્યાચાર કરે છે.
પાકિસ્તાનની કાર્યવાહી દુનિયા સામે ખુલ્લી પડી રહી છે
ભારતે કહ્યું છે કે પીઓકેમાં થઈ રહેલા તમામ માનવાધિકારના ઉલ્લંઘન માટે પાકિસ્તાનને સંપૂર્ણ જવાબદાર ઠેરવવું જોઈએ. ઉલ્લંઘનોને જવાબદાર ઠેરવવા જોઈએ. મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનનો પીઓકે પર કબજો સંપૂર્ણપણે બળજબરીથી અને ગેરકાયદેસર છે અને ત્યાંના લોકોના અવાજને દબાવવાના તેના પ્રયાસો વિશ્વ સમક્ષ ખુલ્લા પડી રહ્યા છે.
પીઓકેમાં વિરોધ કેમ થઇ રહ્યો છે?
પીઓકેમાં વિરોધ પ્રદર્શનની વાત કરીએ તો અહીં છેલ્લા 5 દિવસથી મૂળભૂત જરૂરિયાતો પરની સબસિડીમાં કાપ મૂકવામાં આવ્યો છે. લોકોએ જેને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જે હવે એક મોટા વિરોધ પ્રદર્શનના રુપમાં સામે આવ્યો છે. પ્રદર્શનકારીઓ સરકાર પર મૌલિક અધિકારોની અવગણના કરવાનો અને મોંઘવારી પર નિયંત્રણ ન મેળવવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો – એરફોર્સ ચીફે કહ્યું – ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 4-5 લડાકુ વિમાન તોડી પાડ્યા
બીજી તરફ પાકિસ્તાની પોલીસથી લઈને સુરક્ષા દળો સુધી તેઓ આ પ્રદર્શનને રોકવા માટે સતત બળનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે આ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે.