India Monsoon 2024 Updates, અંજલિ મારર : ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જૂનમાં અત્યાર સુધીમાં લગભગ તમામ દિવસોમાં, ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ‘હીટવેવ’ તથા ‘ગંભીર હીટવેવ’ની સ્થિતિ યથાવત જોવા મળી છે. કેરળમાં પ્રારંભિક દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચી ગયું છે, પરંતુ ઉત્તર ભારતના મેદાનોમાં મહત્તમ તાપમાન 45-47 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હજુ યથાવત રહ્યું છે.
ચોમાસાની મૂળભૂત બાબતો અને તારીખો
જૂન થી સપ્ટેમ્બર માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના 70% થી વધુ વરસાદ લાવે છે. આબોહવાશાસ્ત્ર અનુસાર, ચોમાસું મેના ત્રીજા સપ્તાહમાં આંદામાન સમુદ્રમાં પહોંચે છે અને કેરળ થઈને મુખ્ય ભૂમિમાં આગળ વધે છે, 1 જૂન તેની શરૂઆતની સામાન્ય તારીખ માનવામાં આવે છે.
ત્યારબાદ તે ઝડપથી આગળ વધે છે – સામાન્ય રીતે, તેની પ્રગતિ મધ્ય ભારત સુધી ઝડપી હોય છે, ત્યારબાદ તે ધીમુ પડી જાય છે. ચોમાસું સામાન્ય રીતે ઉત્તર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જૂનના અંત સુધીમાં પહોંચી જાય છે અને 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે.
ચોમાસાનું વહેલું અથવા સમયસર આગમન સમગ્ર ચાર મહિનાની મોસમ દરમિયાન સારા વરસાદની અથવા સમગ્ર દેશમાં તેના વિતરણની ખાતરી આપતું નથી. અને મોડી શરૂઆતનો અર્થ એ નથી કે, સમગ્ર સિઝનમાં સરેરાશથી ઓછો વરસાદ પડશે.
સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધીનો કુલ વરસાદ કેટલાંક પરિબળો પર આધારિત છે. તે કુદરતી આંતર-વાર્ષિક પરિવર્તનશીલતાને પણ પ્રતિબિંબિત કરે છે, જે દરેક ચોમાસાને અલગ બનાવે છે. વરસાદના જથ્થા સાથે, તેનું વિતરણ પણ મહત્વપૂર્ણ છે.
સામાન્યથી વધુ વરસાદની ધારણા હતી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ સિઝનમાં ‘સામાન્યથી વધુ’ વરસાદની આગાહી કરી છે. જથ્થાત્મક રીતે, તે 880 મીમી (1971-2020 ડેટા) ની લાંબા ગાળાની સરેરાશના 106% થવાની ધારણા છે.
‘સામાન્યથી વધારે’ વરસાદ મુખ્યત્વે ટૂંક સમયમાં ઉભરી આવનારી લા નીના પરિસ્થિતિઓને આભારી છે, જે ભારતીય ચોમાસાને હકારાત્મક અસર કરવા માટે જાણીતી છે, અને હિંદ મહાસાગર દ્વિધ્રુવ (IOD)નો સકારાત્મક તબક્કો છે.
10 જૂન સુધી ચોમાસું સારૂ ચાલતું હતું
સારી શરૂઆત પછી, શુષ્ક ચોમાસું 19 મેના રોજ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું અને તેની સામાન્ય તારીખના બે દિવસ પહેલા 30 મેના રોજ કેરળના કિનારે પહોંચ્યું હતું. તે છ દિવસ પહેલા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના ભાગોમાં પહોંચ્યું હતું – એક દુર્લભ પરંતુ અસામાન્ય ઘટના નથી, જે કેરળ અને પૂર્વ ભારતના મોટા ભાગોમાં એક સાથે દસ્તક હતી.
30 મે પછી, ચોમાસું દરરોજ આગળ વધ્યું અને 10 જૂન સુધીમાં, તેણે આંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ, લક્ષદ્વીપ, માહે, તમિલનાડુ, પુડુંચેરી, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના મોટા ભાગોને આવરી લીધા.
આના પરિણામે 10 જૂન સુધી સમગ્ર ભારતમાં 36.5 મીમી વરસાદ થયો, જે 3% વધુ હતો. આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોમાસું ત્રણથી પાંચ દિવસ વહેલું આવી ગયું છે.
11 જૂનથી ચોમાસુ સ્થિર થઈ ગયું
તો 11 જૂનથી ચોમાસું સ્થિર રહ્યું છે અને દક્ષિણ દ્વીપકલ્પમાં શુષ્ક અને ગરમ સ્થિતિ પાછી ફરી છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ભારતમાં વરસાદ સતત સરેરાશ કરતા ઓછો રહ્યો છે. મંગળવારે તે માઈનસ 20% (સામાન્ય 80.6 મીમી સામે 64.5 મીમી) હતો.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે, “શરૂઆતમાં ચોમાસું મોટા પ્રવાહના રૂપમાં આવ્યું હતું, પરંતુ ત્યાં વધુ વરસાદ થયો ન હતો. આ અપેક્ષા મુજબનો સામાન્ય ચોમાસાનો પ્રવાહ નથી.”
મંગળવારે, ચોમાસાની ઉત્તરીય મર્યાદા – ચોમાસાની પ્રગતિ દર્શાવતી કાલ્પનિક રેખા – નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ અને ઈસ્લામપુરમાંથી પસાર થઈ હતી.
એકંદરે અછત મુખ્યત્વે એવા રાજ્યોને કારણે છે, જ્યાં ચોમાસાની શરૂઆત વિલંબમાં થઈ છે. જેમાં મંગળવાર સુધીમાં ઓડિશા (માઈનસ 47%), પશ્ચિમ બંગાળ (માઈનસ 11%), બિહાર (માઈનસ 72%) અને ઝારખંડ (માઈનસ 68%)નો સમાવેશ થાય છે.
મણિપુર, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, કેરળ, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં દુષ્કાળની સ્થિતિનું પુનરાગમન પણ સમગ્ર ભારતમાં ઓછા વરસાદમાં ફાળો આપે છે.
ચોમાસાની બે શાખાઓ
IMD એ 30 મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની જાહેરાત કરી હતી અને તે જ દિવસે ચોમાસું પૂર્વ ભારતના મોટા ભાગોમાં આગળ વધ્યું હતું, મુખ્યત્વે ચક્રવાત રેમલને કારણે, જે 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાયું હતું અને તેના અવશેષો વધુ અંદર તરફ ગયા. આસામ, મેઘાલય, ત્રિપુરા અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેના કારણે જૂનની શરૂઆતમાં પૂર, તથા કાદવ અને ભૂસ્ખલન થયું.
અરબી સમુદ્રમાંથી આવતા મજબૂત પશ્ચિમી/દક્ષિણ-પશ્ચિમ પવનો જૂનની શરૂઆતમાં દક્ષિણ દ્વીપકલ્પમાં ચોમાસું પહોંચાડે છે. પશ્ચિમ કિનારે આવેલા કેટલાક ચક્રવાતી પરિભ્રમણોએ પણ 10 જૂન સુધી સાનુકૂળ સ્થિતિ પ્રદાન કરી હતી, ત્યારબાદ સિંક્રનાઇઝ્ડ સિસ્ટમની ગેરહાજરીને કારણે દક્ષિણ-પશ્ચિમના પવનો નબળા પડ્યા હતા અને ચોમાસું નબળું પડ્યું હતું.
IMDના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી ડી શિવાનંદ પાઈએ જણાવ્યું હતું કે, “જોરદાર પૂર્વીય પવનોની ગેરહાજરીમાં, ચોમાસાની બંગાળની ખાડીની શાખા [પણ] આગળ વધી શકી નથી. આપણે ચોમાસાના નવા મોજા અને નીચા દબાણની સ્થિતિની રાહ જોવી પડશે, જેથી ચોમાસુ સિસ્ટમ ફરી મજબૂત બની શકે.”
ક્યારે વરસાદ પડી શકે છે?
ચોમાસું હાલમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પેટા હિમાલયન પશ્ચિમ બંગાળમાં સક્રિય છે. આ સપ્તાહના ઉત્તરાર્ધમાં કોંકણ અને ઉત્તર કર્ણાટકમાં વરસાદની ગતિવિધિ વધશે. પરંતુ દેશના અન્ય તમામ વિસ્તારો સૂકા રહેશે.
આ સપ્તાહના અંતમાં, ચોમાસું મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં, પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો, ઓડિશા, છત્તીસગઢ અને બિહારના કેટલાક વિસ્તારો અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં આગળ વધી શકે છે.
આ પણ વાંચો – Today Gujarat Latest News | ગુજરાતના આજના સમાચાર : રાજ્યમાં વરસાદની ધબધબાટી, મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી
પાઈએ જણાવ્યું હતું કે, અમે જૂનના અંત સુધીમાં ચોમાસું ફરી સક્રિય થવાની અપેક્ષા રાખીએ છીએ. જો કે ચોમાસું ઉત્તર ભારતમાં ક્યારે પહોંચશે તે અનિશ્ચિત છે.
IMDએ કહ્યું છે કે, આ સપ્તાહ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ગરમીથી થોડી રાહત મળવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ચંદીગઢમાં બુધવાર સુધી ગરમ રાત અને ગરમ હવામાન ચાલુ રહેશે, પરંતુ તે પછી તે ઘટશે. સમગ્ર દેશમાં જૂનમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે.