Operation Shield: ભારતે ઓપરેશન શિલ્ડ હેઠળ સરહદી રાજ્યોમાં મોકડ્રીલ યોજી છે. ઘણા દિવસોથી તેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રવિવારે મોકડ્રીલની તસવીરો પણ સામે આવી છે. આ મોકડ્રીલ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને યુદ્ધ દરમિયાન કેવી રીતે સાવચેતી રાખવી તેની પણ જાણકારી આપવામાં આવી હતી. રવિવારે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં મોકડ્રીલ
જમ્મુ-કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં મોકડ્રીલ હેઠળ અનેક કવાયત પણ કરવામાં આવી હતી. ક્યાંક આગ બુઝાવવાનો પ્રયાસ થયો તો ક્યાંક ડ્રોન હુમલાથી બચવા માટે ટ્રેનિંગ પણ આપવામાં આવી. એડિશનલ ડેપ્યુટી કમિશનર અનિલ કુમારે જણાવ્યું હતું કે ઓપરેશન શિલ્ડ હેઠળ હાથ ધરવામાં આવેલી આ બીજી મોકડ્રીલ છે. આ કવાયત કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવાના હેતુથી કરવામાં આવી હતી.
ગુજરાતમાં મોકડ્રીલ
ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ મોકડ્રીલ કરવામાં આવી હતી. અમદાવાદમાં નર્મદા કેનાલ પર રેસ્ક્યૂ ડ્રિલ હાથ ધરવામાં આવી હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે બહાર કાઢવા તેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. ગુજરાતના અન્ય વિસ્તારોમાં મોકડ્રીલ અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – CDS ના ઇન્ટરવ્યૂ પર મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું – ગુમરાહ કરી રહી છે સરકાર, એક્સપર્ટ કમિટી કારગિલની જેમ કરે રિવ્યૂ
શું છે મોકડ્રીલ?
મોકડ્રીલ એ એક પ્રકારની પ્રેક્ટિસ છે, જે દરમિયાન લોકોને કટોકટી માટે તૈયાર કરવામાં આવે છે. તેનો હેતુ લોકોને આગ, ભૂકંપ, તબીબી કે આતંકવાદી હુમલા જેવી કટોકટી માટે તૈયાર કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન જોવા મળી રહ્યું છે કે ઇમરજન્સી દરમિયાન લોકો કેવી પ્રતિક્રિયા આપશે. એક તરફ ભારતમાં મોકડ્રીલ થઇ રહી છે તો બીજી તરફ પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે, ત્યાં અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે.