શું પીએમ મોદી ચીન અને પાકિસ્તાન એક સાથે સંભાળી શકશે? બદલાયેલી કૂટનીતિ અને રણનીતિ સમજો

India Pakistan and china Diplomatic Relations : ભારત, પાકિસ્તાન અને ચીન સાથે તેના રાજદ્વારી સંબંધોની કીટનીતિ અને રણનીતિ બદલશે? પીએમ નરેન્દ્ર મોદી હવે શું કરી શકે છે? જોઈએ કેટલાક સંકેતો.

Written by Kiran Mehta
August 30, 2024 19:29 IST
શું પીએમ મોદી ચીન અને પાકિસ્તાન એક સાથે સંભાળી શકશે? બદલાયેલી કૂટનીતિ અને રણનીતિ સમજો
ભારત, પાકિસ્તાન અને ચીન સંબંધ

India, Pakistan and China Relations : વડાપ્રધાન મોદીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ મળ્યું છે. પડોશી દેશ દ્વારા SCO સમિટમાં ભાગ લેવાનું ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બીજી તરફ રશિયાએ પણ પીએમ મોદીને બ્રિક્સ સમિટ માટે આમંત્રણ આપ્યું છે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ જવાના છે. એટલે કે એક તરફ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની શરૂઆત થઈ શકે છે તો, બીજી તરફ ચીન સાથે ચાલી રહેલા તણાવને ઓછો કરવાની તક મળી શકે છે. પરંતુ પ્રશ્ન એ જ છે કે, શું પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં તેમની વ્યૂહરચના બદલવા માટે તૈયાર છે? શું પીએમ મોદી પાકિસ્તાન પર પોતાનું વલણ બદલી શકે છે, ચીનને લઈને હવે તેમના શું વિચાર હશે?

મોદી પાકિસ્તાન જાય તો તેનો અર્થ શું?

પીએમ નરેન્દ્ર મોદી 9 વર્ષ પહેલા પાકિસ્તાન ગયા હતા. 25 ડિસેમ્બર 2015 ના રોજ પીએમ અચાનક લાહોર પહોંચી ગયા હતા. વાસ્તવમાં તેઓ અફઘાનિસ્તાનના પ્રવાસ પર હતા, પરંતુ છેલ્લા દિવસે દિલ્હી આવતાં તેઓ 150 મિનિટ માટે પાકિસ્તાનમાં રોકાયા હતા. તેમની મુલાકાતની કોઈને જાણ નહોતી, પરંતુ PM એ મોટો રાજદ્વારી જુગાર ખેલ્યો અને પાકિસ્તાનમાં ઉતરવાનું નક્કી કર્યું. ત્યાં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે પીએમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. બાદમાં મોદીએ નવાઝની પૌત્રીના લગ્નમાં હાજરી આપી હતી અને પછી ભારત પરત ફર્યા હતા. હવે એ પ્રવાસ પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરી શકે છે. પરંતુ પછી ઉરી હુમલા અને પછી પુલવામાએ ખટાશમાં વધારો કર્યો.

હવે ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતનું સ્પષ્ટ વલણ છે કે, જ્યાં સુધી આતંકવાદ પર અંકુશ નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય. આ ઉપરાંત ભારત પણ પાકિસ્તાની સેનાને વધુ વિશ્વાસની નજરે નથી જોતું. તેના માટે પાડોશી દેશમાં લોકશાહી સરકાર હોવી વધુ જરૂરી છે અને સેનાની કઠપૂતળી નહીં.

હવે, અત્યાર સુધી પાકિસ્તાને આ બંને જરૂરિયાતો પૂરી કરી નથી, આવી સ્થિતિમાં, જો પીએમ મોદી તેમના ત્રીજા કાર્યકાળમાં પાકિસ્તાનની મુલાકાત લેવાનું નક્કી કરે છે, તો તેમણે તેમના દ્વારા બનાવેલા આ બે સિદ્ધાંતો પર સ્પષ્ટતા રજૂ કરવી પડશે. એ ન ભૂલવું જોઈએ કે, 2015 માં જ્યારે પીએમ મોદી અચાનક પાકિસ્તાન ગયા હતા ત્યારે તેમને વિપક્ષના અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો. હવે નબળા જનાદેશ સાથે પણ શું પીએમ મોદી આવું જોખમ ઉઠાવી શકે છે?

જોકે, SCO સમિટનું મહત્વ સમજવું જરૂરી છે, જેના માટે PM મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, SCO સંગઠનની રચના મધ્ય એશિયાના તમામ દેશો વચ્ચે સહકાર જાળવી રાખવા માટે કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન, ચીન જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ જ્યારે ભારતે આ સમિટમાં ભાગ લીધો હતો, ત્યારે તેણે ખુલ્લેઆમ આતંકવાદ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક બન્યું હતું.

આવી સ્થિતિમાં જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, જો પીએમ મોદી પોતે પાકિસ્તાન જાય છે તો તેમને તેની ધરતી પરથી જ પાકિસ્તાનને અરીસો બતાવવાનો મોકો મળી શકે છે. તેમની ‘પાકિસ્તાન વિરોધી’ છબી ભારતમાં જ મજબૂત બની શકે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, ડિપ્લોમસીના અનુશાસન હેઠળ પીએમ મોદી આવો સીધો હુમલો કરી શકશે નહીં, તેથી તેમના માટે પાકિસ્તાન જવું મુશ્કેલ છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે, પાકિસ્તાન સાથે વાતચીતનો તબક્કો પસાર થઈ ગયો છે. તેણે યાદ રાખવાની જરૂર છે કે, દરેક એક્શનનું રિએક્શન હોય છે. હવે આ પ્રકારનું નિવેદન દર્શાવે છે કે, ભારત સરકાર હજુ પણ પાકિસ્તાનને લઈને બહુ સકારાત્મક નથી, આવી સ્થિતિમાં પીએમ મોદી માટે ત્યાં જવું મુશ્કેલ લાગે છે.

મોદી જિનપિંગને મળે તો તેનો અર્થ શું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેના સંબંધોને સમજવા ખૂબ મુશ્કેલ છે. સરહદ પર તણાવના કારણે એક સમયે બંને વચ્ચે જે રાજકીય કેમેસ્ટ્રી જોવા મળતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે. પીએમ મોદીએ તેમના બીજા કાર્યકાળ દરમિયાન તમિલનાડુના મહાબલીપુરમમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે બોલાવ્યા ત્યારે તે તસવીરો કોઈ ભૂલી શક્યું નથી. બંને નેતાઓ વચ્ચે જે પ્રકારની ઉષ્મા જોવા મળી હતી તે ફરી સર્જાઈ શકી નથી. તે પછી, ગલવાનમાં સંઘર્ષ અને પછી તવાંગમાં તણાવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ. પીએમ મોદી છેલ્લે 2023માં બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિને મળ્યા હતા. તેને અનૌપચારિક બેઠક તરીકે પણ વર્ણવવામાં આવી હતી, એટલે કે લાંબા સમયથી બંને નેતાઓ વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય વાતચીત થઈ નથી.

હવે સમજવાની વાત એ છે કે, ભારત અને ચીન બંને તરફથી એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે કે, આ વખતે બ્રિક્સ સમિટમાં મોદી-જિનપિંગ ઔપચારિક રીતે મળી શકે છે. આના બે મોટા સંકેતો મળી ચૂક્યા છે. પહેલો સંકેત એ હતો કે, લોકસભા ચૂંટણી દરમિયાન ચીને લગભગ 18 મહિના પછી ભારતમાં પોતાના રાજદૂતની નિમણૂક કરી હતી. સંબંધોમાં તણાવના કારણે ખાલી પડેલી પોસ્ટની પુનઃસ્થાપના એ બતાવવા માટે પૂરતી હતી કે, તણાવનો બરફ અમુક અંશે ઓગળી ગયો છે.

બીજો મોટો સંકેત એ છે કે, ભારત અને ચીન બંને ફરીથી LAC પર વિવાદને ખતમ કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત મુલાકાત પહેલા ઘણા મુદ્દાઓ પર સહમતિ સાધવી પડશે. આ કારણસર હવે સૈન્યના બદલે રાજદ્વારી દ્વારા ઉકેલ શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ભારત અને પાકિસ્તાનનો વેપાર

હવે જો કોઈ પણ દેશ સાથે સંબંધો જાળવી રાખવા હોય તો, તે દેશ સાથે વ્યાપારી સંબંધો પણ વિકસાવવા પડશે. આ તે છે જ્યાં પાકિસ્તાન સાથે ભારતના સંબંધો બગડે છે કારણ કે છેલ્લા પાંચ વર્ષથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વેપાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ હટાવવાનો નિર્ણય કર્યો ત્યારે પાકિસ્તાને બદલો લેતા તમામ વેપાર સંબંધો ખતમ કરી દીધા.

એ અલગ વાત છે કે આ પહેલા પણ ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો ટેગ પાછો ખેંચી લીધો હતો, તેના ઉપર ભારતે જ પાકિસ્તાનની આયાત પર ટેરિફમાં 200 ટકાનો વધારો કર્યો હતો, આવી સ્થિતિમાં વેપાર પહેલાથી જ ઘણો ઠંડો પડી ગયો છે.

એક સમયે પાકિસ્તાન ભારત પાસેથી કપાસ, ઓર્ગેનિક કેમિકલ, પ્લાસ્ટિક, ન્યુક્લિયર રિએક્ટર, બોઈલર, મશીનરી જેવી પ્રોડક્ટ ખરીદતું હતું. ભારતને પાકિસ્તાનમાંથી ફળો, ડ્રાયફ્રૂટ્સ, મીઠું, સલ્ફર, પથ્થરો પણ મળતા હતા. પરંતુ વધી રહેલા આતંકવાદી હુમલાઓને કારણે ભારતે પાકિસ્તાન પાસેથી આ બધું લેવાનું બંધ કરી દીધું. એ અલગ વાત છે કે, આજે પણ ભારત પાકિસ્તાનને ઘણી જરૂરી દવાઓ સપ્લાય કરે છે. પરંતુ જો પીએમ મોદી હવે નવી પહેલ કરે છે અને પાકિસ્તાન જાય છે તો બંને દેશોના વેપાર સંબંધોને લઈને ફરી ચર્ચા થઈ શકે છે. જો તેઓ નહીં જાય તો યથાસ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

ભારત અને ચીનનો વેપાર

ભારત અને ચીન વચ્ચે મહત્તમ વેપાર જોવા મળે છે. આ તમને આશ્ચર્યચકિત કરી શકે છે કારણ કે ચીન સાથે ભારતના સંબંધો એટલા સારા નથી ચાલી રહ્યા. પરંતુ GTRI ડેટા પુષ્ટિ કરે છે કે, ચીન સાથે ભારતનો વેપાર અમેરિકા કરતા વધુ છે. ગયા નાણાકીય વર્ષમાં ભારત અને ચીન વચ્ચે 118.4 અબજ ડોલરનો વેપાર થયો હતો. હાલમાં, ભારત મોટાભાગે ઈલેક્ટ્રોનિક સામાન, પરમાણુ રિએક્ટર, બોઈલર, ઓર્ગેનિક કેમિકલ અને ખાતર ચીનમાંથી આયાત કરે છે.

ચીન-પાકિસ્તાન પર NDA પાર્ટીઓ શું માને છે?

છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી, તેથી પાકિસ્તાન અને ચીનને લઈને શું વલણ રાખવું જોઈએ તે અંગે કોઈ મૂંઝવણ નથી. આતંકવાદ પર ઝીરો ટોલરન્સ દ્વારા જ પાકિસ્તાનને અનેક પ્રસંગોએ અરીસો દેખાડવામાં આવ્યો હતો. બીજી તરફ, LAC પર ચીનને ઘણી વખત તેની તાકાત દેખાડવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા પાકિસ્તાનના ઈરાદાઓ જણાવવામાં આવ્યા હતા તો ચીનને પણ ગલવાનમાં તેની તાકાતથી વાકેફ કરવામાં આવ્યું હતું.

પરંતુ હવે જ્યારે ભાજપ પાસે પોતાના દમ પર બહુમતી નથી અને તેને જેડીયુ અને ટીડીપી જેવા પક્ષોના સમર્થનની જરૂર છે. અત્યાર સુધી મોદી સરકાર માટે તેની હિંદુત્વની રાજનીતિ માટે પાકિસ્તાન અને ચીનની મારપીટ પણ જરૂરી હતી. પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં જ્યારે જેડીયુ અને ટીડીપીને સાથે રાખવા પડે છે ત્યારે તે એજન્ડા પર આગળ વધવું થોડું મુશ્કેલ બની શકે છે.

વાસ્તવમાં, જેડીયુ અને ટીડીપી પરંપરાગત રીતે પોતાને બિનસાંપ્રદાયિક પક્ષો માને છે અને બંને ઘણા પ્રસંગોએ ભાજપની હિન્દુત્વની રાજનીતિથી અસ્વસ્થ છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન અને ચીનને લઈને કોઈ નિર્ણય લેવો હોય તો આ બંને પક્ષોને સાથે લેવું જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ