પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે કેવી રીતે તોડી પાકિસ્તાનની કમર, સિંધુ જળ સંધિ થી લઇ ઓપરેશન સિંદૂર સુધી A to Z માહિતી

India Pakistan Tension: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની સાથે સાથે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુવાઇ હુમલા કર્યા છે.

Written by Ajay Saroya
May 09, 2025 10:10 IST
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે કેવી રીતે તોડી પાકિસ્તાનની કમર, સિંધુ જળ સંધિ થી લઇ ઓપરેશન સિંદૂર સુધી A to Z માહિતી
BSF Soldier: બીએસએફ સૈનિક. (Photo: @BSF_India)

India Pakistan Tension: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં આ કાયરતાપૂર્ણ હુમલાને લઇને ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વળતા જવાબમાં 6 અને 7ની રાત્રે ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા પર હવાઇ હુમલા કર્યા હતા. ઓપરેશન સિંદૂર પાકિસ્તાન અને તેના આતંકવાદી ઇરાદાઓને જડબાતોડ જવાબ છે. આવો જાણીએ પહેલગામ આતંદી હુમલા પછીના 17 દિવસમાં શું શું થયું.

22 એપ્રિલ, 2025 : પહેલગામમાં આતંકવાદી હુમલો

જમ્મુ કાશ્મીરના પહેલગામ જિલ્લામાં આતંકીઓએ ઓછામાં ઓછા 26 પ્રવાસીઓને મારી નાખ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરોએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યો અને હિન્દુઓને નિશાન બનાવ્યા. ભારતે તરત જ આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) અને લશ્કર-એ-તૈયબાની ભૂમિકા જાહેર થઈ હતી.

23 એપ્રિલ 2025: ભારત સરકાર તાત્કાલિક એક્શનમાં

એનઆઈએએ તપાસ શરૂ કરી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર એનઆઈએ એ પહેલગામ હુમલાની તપાસ પોતાના હાથમાં લીધી હતી. એનઆઈએની ટીમો બૈસરન ખીણમાં તૈનાત હતી અને હુમલાના કાવતરાખોરને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.

સિંધુ જળ સંધિ સ્થગિત

કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠકમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં 1960ની સિંધુ જળ સંધિને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સીમા પારના આતંકવાદનું સમર્થન કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્શન ચાલુ રહેશે. પહેલી વખત ભારતે આ સંધિને સ્થગિત કરી દીધી હતી, જેને પાકિસ્તાને “યુદ્ધની કાર્યવાહી” ગણાવી હતી.

અટારી વાઘા બોર્ડર બંધ

ભારતે પંજાબમાં અટારી વાઘા બોર્ડર ચેકપોસ્ટ બંધ કરી દીધી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર અને અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

પાકિસ્તાની નાગરિકો પર કાર્યવાહી

ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા (સાર્ક, મેડિકલ વગેરે) તાત્કાલિક અસરથી રદ કરી દીધા હતા. પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને બાદમાં આગળના આદેશ સુધી લંબાવવામાં આવ્યો હતો.

રાજદ્વારી પગલાં

ભારતે ઈસ્લામાબાદમાં ભારતીય મિશન અને નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સ્ટાફની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરી દીધી છે. પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, નૌકાદળ અને હવાઈ દળના સલાહકારોને ‘Persona Non Grata’ જાહેર કરવામાં આવ્યા હતા અને એક અઠવાડિયાની અંદર ભારત છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

24-27 એપ્રિલ 2025: વધતા તણાવ અને રાજદ્વારી ગતિવિધિઓ

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન : પાકિસ્તાન સેનાએ નિયંત્રણ રેખા (એલઓસી) પર બારામુલ્લા, કુપવાડા, પૂંછ અને અખનૂર જેવા વિસ્તારોમાં સતત ગોળીબાર શરૂ કર્યો હતો, જેને ભારત યુદ્ધવિરામના ઉલ્લંઘનનું માનતું હતું. ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો હતો.

ભારતની રાજદ્વારી પહેલ : વિદેશ પ્રધાન એસ.જયશંકરે યુકે, કુવૈત અને ડેનમાર્કના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી હતી અને પહેલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે ભારતનું “શૂન્ય સહિષ્ણુતા” વલણ સ્પષ્ટ કર્યું હતું. ઘણા દેશોએ ભારત માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રને નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરી હતી અને ભારતને સંયમ રાખવાની અપીલ કરી હતી. પાકિસ્તાને તુર્કી અને સાઉદી અરેબિયા જેવા તેના સાથી દેશો સાથે રાજદ્વારી સંપર્કો વધાર્યા હતા.

પર્યટન સ્થળો પર પ્રતિબંધ : સુરક્ષા કારણોસર જમ્મુ-કાશ્મીરમાં 48 પ્રવાસ સ્થળો બંધ કરાયા હતા. બૈસરન ખીણમાં સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી હતી.

28-30 એપ્રિલ 2025 : ભારતનું કડક વલણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા સમીક્ષા બેઠકમાં સશસ્ત્ર દળોને “સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા” આપી હતી, જ્યાં હુમલાનો જવાબ આપવાનો સમય, લક્ષ્ય અને રીત સેના પર છોડી દેવામાં આવી હતી.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : ભારતે પાકિસ્તાનની 16 યૂટ્યૂબ ચેનલ અને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો, જેમાં પાકિસ્તાની ક્રિકેટરો અને વડાપ્રધાન શહબાઝ શરીફના ઓફિશિયલ એકાઉન્ટ સામેલ છે. તેમના પર ભારત વિરોધી સામગ્રી ફેલાવવાનો આરોપ હતો.

FATFમાં કાર્યવાહી : ભારતે પાકિસ્તાનને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)માં ગ્રે લિસ્ટમાં ફરીથી નાખવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ટેકનિકલ ઇન્ટેલિજન્સ સૂત્રો દ્વારા ભારતે એવા પુરાવા રજૂ કર્યા હતા જેમાં પહેલગામ હુમલામાં ટીઆરએફ અને લશ્કર-એ-તૈયબાની ભૂમિકા દર્શાવવામાં આવી હતી. અમેરિકા, યુકે અને ફ્રાન્સ જેવા એફએટીએફના 20થી વધુ સભ્ય દેશોએ ભારતને ટેકો આપ્યો હતો.

પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે દાવો કર્યો હતો કે તેમની પાસે “વિશ્વસનીય ગુપ્ત માહિતી” છે કે ભારત આગામી 24-36 કલાકમાં લશ્કરી કાર્યવાહી કરી શકે છે.

1 મે 2025 : ભારતનું હવાઇ ક્ષેત્ર બંધ

ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું. પાકિસ્તાનથી આવતી તમામ ટપાલ અને પાર્સલ સેવાઓ (હવાઈ અને જમીન) તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

2-6 મે 2025 : વૈશ્વિક મધ્યસ્થતા અને તણાવ

અમેરિકાની મધ્યસ્થીઃ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે વાત કરી હતી અને બંને પક્ષોને તણાવ ઓછો કરવા વિનંતી કરી હતી.

7 મે 2025 : ઓપરેશન સિંદૂર

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પીઓકેમાં મુરીદકે, કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર જેવા સ્થળોએ નવ આતંકી લોન્ચ પેડ પર સચોટ લશ્કરી હુમલા કર્યા હતા. આ હુમલા ભારતીય ડિફેન્સ ફોર્સ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યા હતા, જેમાં લશ્કર-એ-તૈયબા અને ટીઆરએફના આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

8 મે 2025 : ઓપરેશન સિંદૂર

ભારતે 8 મે, 2025ના રોજ પણ પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પણ પાકિસ્તાને ગોળીબાર કર્યો હતો. જો કે ભારતીય સેનાએ આ તમામને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનની તમામ મિસાઇલોનો નાશ કર્યો હતો. પાકિસ્તાને જ્યારે એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર્સ (આઇબી) પર વિવિધ સ્થળોએ ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સેનાએ ઉધમપુર, સાંબા, જમ્મુ, અખનૂર, નગરોટા અને પઠાણકોટ વિસ્તારોમાં કાઉન્ટર ડ્રોન ઓપરેશન હાથ ધરીને 50થી વધુ ડ્રોનને નિષ્ક્રિય કરી દીધા હતા. આ સાથે જ દિલ્હી સરકારે પોતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજાઓ રદ્દ કરી દીધી હતી.

9 મે 2025 : ઓપરેશન સિંદૂર

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ