India-Pakistan tension : ઓપરેશન સિંદૂરથી રઘવાયા થયેલા પાકિસ્તાને સતત બીજા દિવસે રાત્રે ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સતર્ક ભારતે તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. શુક્રવારે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરા ઉભો કરતા શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોન જોવા મળ્યા હતા. ભારતે આ ડ્રોન હુમલો નિષ્ફળ બનાવ્યા હતા. બોર્ડર સાથે જોડાયેલા ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે રાત્રે જમ્મુમાં ફરીથી અંધારપટ છવાઈ ગયો અને સાયરન વાગવા લાગ્યા હતા. રાત્રે 8.30 વાગ્યાની આસપાસ સાંબા સેક્ટરમાં પણ વિસ્ફોટોના અવાજો સંભળાયા.
સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ , સાંબા અને પઠાણકોટમાં ડ્રોન જોવા મળ્યા હતા અને તેમની શોધખોળ ચાલુ છે. જમ્મુમાં હવે બ્લેકઆઉટ છે. શહેરમાં સાયરન સંભળાય છે.
હું જ્યાં છું ત્યાંથી સતત ધમાકાના અવાજ આવી રહ્યા છે – ઉમર અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ હાલમાં જમ્મુમાં છે. હું જ્યાં છું ત્યાંથી સતત ધમાકાના અવાજ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જમ્મુ અને તેની આસપાસના દરેકને મારી અપીલ છે કે કૃપા કરીને આગામી થોડા કલાકો માટે રસ્તાઓથી દૂર રહો, ઘરે રહો અથવા નજીકના સ્થળે રહો જ્યાં તમે સુરક્ષિત રહી શકો.
રહેવાસીઓએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે રાત્રે 8 વાગ્યા પછી થોડો સમય માટે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો હતો. શ્રીનગરના કેટલાક ભાગોમાં પણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો હતો અને બદામીબાગ કેન્ટોનમેન્ટ નજીકથી મોટા અવાજો સંભળાયા હતા.
આ પણ વાંચો – પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો, 36 સ્થળો પર હુમલાનો પ્રયાસ, નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યા
ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સૈનિકો રાજૌરી અને પૂંછ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. ભારતીય સેના અસરકારક રીતે જવાબ આપી રહી હતી. પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં લશ્કરી સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેને ભારતીય પક્ષે નિષ્ફળ બનાવ્યો છે.





