India Politics, પવન ઉપરેતી : લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો બાદ ફરી એકવાર કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની છે, પરંતુ સરકાર બનવાની સાથે જ સવાલ એ પણ ઊભો થાય છે કે તે ક્યાં સુધી ચાલશે? 30 જુલાઈના રોજ લોકસભામાં બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે, સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, આ સરકાર વધારે લાંબુ ચાલવાની નથી, પરંતુ પડી જવાની છે.
સોશિયલ મીડિયાથી લઈને ટીવી ચેનલો સુધીના ઘણા રાજકીય વિશ્લેષકો મોદી 3.0ની સ્થિરતા પર સવાલો ઉઠાવેી રહ્યા છે અને કહે છે કે ભાજપ પાસે પોતાની રીતે બહુમતી નથી અને NDA પણ બહુમત માટે જરૂરી 272ના આંકડાથી વધુ આગળ નથી, તેથી જ આ સવાલો ઉઠી રહ્યા છે. મોદી સરકારે સ્થિરતા સાથે ઉભા રહેવા માટે હવે બંધાયેલા જોવા મળે છે.
સાથી પક્ષો સામે ઝૂકવાની મજબૂરી છે
એ વાત પણ સાચી છે કે, મોદી સરકારના આ કાર્યકાળમાં ભાજપે ગઠબંધન ભાગીદારો સામે ઝુકવું પડશે. જ્યારે 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સ્થિતિ આવી નહોતી. વર્તમાન મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રથમ બજેટ પર ટિપ્પણી કરતા ઘણા નિષ્ણાતોએ કહ્યું છે કે, આ ગઠબંધનની મજબૂરીમાં રજૂ કરવામાં આવેલ બજેટ હોય તેવું લાગે છે.
લોકસભા ચૂંટણી 2024 ના પરિણામોથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, સાથી પક્ષોએ ભાજપ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે અને આવું માત્ર કેન્દ્રમાં જ નહીં રાજ્યમાં પણ થઈ રહ્યું છે.
તાજેતરનું ઉદાહરણ કાંવડ યાત્રાને લઈને ઉત્તર પ્રદેશ સરકારનો નિર્ણય છે, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાંવડ યાત્રા દરમિયાન દુકાનદારોને તેમની નેમ પ્લેટ લગાવવાનું કહ્યું ત્યારે ભાજપના સાથી પક્ષો રાષ્ટ્રીય લોક દળ, જેડીયુ અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ તેનો ખુલ્લો વિરોધ કર્યો હતો.
અગાઉ જેડીયુએ કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીર યોજનાની સમીક્ષા કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. મોદી સરકારના મંત્રી અને LJP (R) ચીફ ચિરાગ પાસવાને પણ કંઈક આવું જ કહ્યું હતું.
અનુપ્રિયા પટેલે પત્ર પાઠવ્યો હતો
ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારમાં સામેલ ભાજપના સાથી પક્ષ અપના દળ (સોનેલાલ) ના વડા અનુપ્રિયા પટેલે પણ એક પછી એક અનેક મુદ્દાઓ પર પત્ર લખીને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે.
બિહાર અને આંધ્રપ્રદેશ તેમના રાજ્ય માટે વિશેષ પેકેજની માંગ કરી રહ્યા હતા. તેમની આ માંગને સ્વીકારતુ બજેટમાં બંને રાજ્યો માટે જંગી ફાળવણીની જાહેરાત કરીને વળતર આપવામાં આવ્યું છે.
આવી સ્થિતિમાં જ્યારે ભાજપ પાસે બહુમતી નથી અને તે તેના સાથી પક્ષોની મદદથી સરકાર ચલાવવા માટે મજબૂર છે, ત્યારે આ ભાજપની આગેવાનીવાળી સરકાર તેનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે કે કેમ તે પ્રશ્ન કેટલોક પ્રબળ છે?
વિપક્ષના નેતાએ કહ્યું- આ સરકાર પડી જશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે, મોદી સરકાર માત્ર થોડા દિવસોની મહેમાન છે. આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પણ કહ્યું છે કે, નરેન્દ્ર મોદી સરકાર ઓગસ્ટમાં પડી જશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધન ટૂંક સમયમાં કેન્દ્રમાં સરકાર બનાવશે.
યોગેન્દ્ર યાદવની આગાહી
જાણીતા ચૂંટણી વિશ્લેષક યોગેન્દ્ર યાદવે એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમમાં તેમના તાજેતરના ભાષણમાં મોદી સરકાર 3.0 ની સ્થિરતા વિશે વાત કરી હતી અને આ સંદર્ભમાં કેટલીક આગાહીઓ કરી હતી.
યાદવે આ લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પણ એક મૂલ્યાંકન કર્યું હતું, જે એકદમ સચોટ સાબિત થયું હતું. તેમણે આગાહી કરી હતી કે, ભાજપ લગભગ 240 બેઠકો સુધી ઘટી શકે છે અને ચૂંટણી પરિણામોમાં પણ એવું જ થયું.
યોગેન્દ્ર યાદવ કહે છે કે, ભાજપે આ ચૂંટણીમાં 400 પાર કરવાનો નારો ચોક્કસ આપ્યો હતો પરંતુ કદાચ તે એ પણ જાણતુ હતુ કે, એનડીએને આટલી સીટો મળવાની નથી. જો કે ભાજપ પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મેળવી શકી નથી, તેમ છતાં સરકાર બન્યા પછી બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો લાગે છે કે, સરકાર હજુ કંઈ શીખી નથી.
યાદવે કહ્યું કે, રાષ્ટ્રપતિનું સંબોધન જુઓ, સ્પીકર ચૂંટવાની રીત જુઓ, રસ્તાઓ પર થઈ રહેલી લિંચિંગ જુઓ, બુલડોઝરનો ઉપયોગ જુઓ, જુઓ કે અરુંધતિ રોયથી લઈને મેધા પાટેકર સુધી દરેક સાથે શું થઈ રહ્યું છે.
યાદવે કહ્યું કે, સરકારની સત્તાનો પહેલા કરતા વધુ દુરુપયોગ થઈ રહ્યો છે અને થશે અને આવી સ્થિતિમાં કંઈક કરવું પડશે. તેમનું કહેવું છે કે, વિપક્ષે સક્રિય થવું પડશે કારણ કે તમે આ સરકાર પડવાની રાહ જોઈ શકતા નથી. આવું નહીં થાય, આના માટે તમારે રસ્તા પર નીકળીને કામ કરવું પડશે.
યાદવે કહ્યું કે આગામી થોડા મહિનામાં ચૂંટણી આવી રહી છે. મોદી સરકારને હરાવવા માટે કામ કરો. જ્યારે ધીમે ધીમે સરકાર પર દબાણ વધશે, ત્યારે સાથી પક્ષો વિદ્રોહ કરવા માંડે છે, વસ્તુઓ ઘટવા લાગે છે અને સરકાર જતી રહે છે.
યોગેન્દ્ર યાદવે કહ્યું કે, બંધારણ અને લોકશાહીને પુનઃપ્રાપ્ત કરવાની લડાઈને સામાજિક એજન્ડા સાથે જોડવી પડશે અને આવી તક 25-30 વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, જ્યારે તમે ખરેખર રાજકીય અને સામાજિક એજન્ડાને જોડો. યાદવે કહ્યું કે, સામાજિક એજન્ડાથી તેનો અર્થ આર્થિક મોરચો છે. ભાજપનો મુકાબલો કરવાનો રસ્તો એ છે કે ગરીબો અને સૌથી નીચલા સ્તરે રહેતા લોકોનું ગઠબંધન બનાવવં પડશે.
ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે
મોદી સરકારની મુસીબતોમાં વધારો કરવા માટે ખેડૂતો ફરી એકવાર દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારે MSP અંગે કાયદાકીય ગેરંટી બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ, તેણે પોતાનું વચન પાળ્યું નથી. શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ 6 મહિનાનું રાશન અને પાણી લઈને દિલ્હી જવાની તૈયારી કરી લીધી છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાઈ શકે છે.
આ પહેલા પણ 2020 માં જ્યારે કૃષિ કાયદાઓ સામે આંદોલન થયું ત્યારે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં ધામા નાખ્યા હતા. પછી સરકારે કૃષિ કાયદાને પાછો ખેંચવો પડ્યો હતો.
ભાજપ ચૂંટણીલક્ષી રાજ્યોમાં અટવાઈ શકે છે
આગામી ચાર મહિનામાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આ રાજ્યોમાં ભાજપ માટે સ્થિતિ સારી દેખાતી નથી.
જો ખેડૂતો દિલ્હી તરફ આગળ વધે છે, તો તે ચોક્કસપણે ચૂંટણી રાજ્ય હરિયાણામાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો કરશે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતોનું રાજકારણ ખૂબ જ શક્તિશાળી છે. જો ખેડૂતો રોષે ભરાશે તો, ભાજપ માટે હરિયાણામાં સત્તામાં પરત આવવું આસાન નહીં હોય. ખેડૂતોએ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો જોરદાર વિરોધ કરીને પોતાની તાકાત બતાવી છે.
NCP સાથે ગઠબંધન તોડવાનું દબાણ
અન્ય ચૂંટણી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભાજપની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. લોકસભા ચૂંટણીમાં અહીં પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે અને ભાજપ પર વિધાનસભા ચૂંટણી પહેલા અજિત પવારની આગેવાની હેઠળની NCP સાથેનું જોડાણ તોડવાનું દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો – લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું – ચક્રવ્યૂહમાં દેશને ફસાવવામાં આવ્યો, તેનો આકાર કમળ જેવો છે
ચૂંટણી રાજ્ય ઝારખંડમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં આદિવાસી મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેન સક્રિય રીતે ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.
આવી સ્થિતિમાં ભાજપ માટે મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી પૂરતી બેઠકો જીતવી મહત્વપૂર્ણ છે. જો આમ નહીં થાય તો સાથી પક્ષો તરફથી તેમના પર દબાણ વધશે અને પક્ષની અંદર વિરોધનો અવાજ પણ ઊંચો થઈ શકે છે. આનાથી કેન્દ્ર સરકારની સ્થિરતા પર પણ અસર પડી શકે છે.





