India-Russia Annual Summit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસ માટે મોસ્કો પહોંચી ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસ્કો એરપોર્ટ પર પીએમ મોદીનું રશિયાના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી ડેનિસ મંટુરોવે સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે આજે સાંજે નોવો-ઓગારિયોવોમાં મારી મેજબાની કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર. આવતીકાલે અમારી વાતચીતને લઇને ઉત્સુક છું, જે ચોક્કસપણે ભારત અને રશિયા વચ્ચેના મિત્રતાના બંધનને વધુ મજબૂત કરવામાં એક લાંબો રસ્તો નક્કી કરશે.
આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના કલાકારો બોલિવૂડ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. પીએમ મોદીના સ્વાગત માટે ભારતીયો પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચો – પીએમ મોદી રશિયા પ્રવાસ, ત્રીજા ટર્મની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત ભારત રશિયા માટે કેમ છે ખાસ?
રશિયા-યુક્રેન યુદ્ધ પછી પીએમ મોદીની આ પ્રથમ રશિયા મુલાકાત
વડાપ્રધાન મોદી 22માં ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મુલાકાત કરી રહ્યા છે. આ સંમેલન ત્રણ વર્ષ પછી યોજાઇ રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ રશિયા મુલાકાત છે. તેમની રશિયાની છેલ્લી મુલાકાત 2019માં થઇ હતી, જ્યારે તેમણે રશિયન શહેર વ્લાદિવોસ્તોકમાં એક આર્થિક સંમેલનમાં ભાગ લીધો હતો.
પીએમ મોદી ઓસ્ટ્રિયાના પ્રવાસે પણ જશે
રશિયા પછી પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહમરે એક નિવેદનમાંકહ્યું હતું કે હું આગામી અઠવાડિયે વિયેનામાં દુનિયાની સૌથી મોટા લોકશાહી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે ખૂબ જ ઉત્સુક છું. તેમણે કહ્યું હતું કે આ મુલાકાત વિશેષ સન્માનની વાત છે, કારણ કે આ મુલાકાત 40 વર્ષથી વધુ સમયમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની પ્રથમ મુલાકાત છે અને આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, કારણ કે અમે ભારત સાથે રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ.





