/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/PM-Modi-Keir-Starmer-.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટીશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં એફટીએ પર હસ્તાક્ષર થયા (તસવીર -સ્ક્રિનગ્રેૂ)
India-UK Trade Deal: ભારત અને બ્રિટને ગુરુવારે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા હતા. તેનાથી બંને દેશોની બજાર પહોંચમાં નોંધપાત્ર સુધારો થશે અને વાર્ષિક દ્વિપક્ષીય વેપારમાં આશરે 34 અબજ ડોલરનો વધારો થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટીશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં એફટીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે એકવાર એફટીએ લાગુ થયા પછી યુકેમાં 99 ટકા ભારતીય નિકાસ પર ટેરિફ લાગશે નહીં.
બીજી તરફ બ્રિટિશ કંપનીઓ માટે વ્હીસ્કી, કાર અને અન્ય પ્રોડક્ટ્સની નિકાસ ભારતમાં કરવામાં સરળતા રહેશે. તેનાથી એકંદરે દ્વિપક્ષીય વેપારમાં વધારો થશે. બંને દેશો વચ્ચે 3 વર્ષની વાટાઘાટો બાદ આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્પાદનની લગભગ 99 ટકા કેટેગરી સંપૂર્ણપણે ડ્યુટી-ફ્રી હોવાનો લાભ ભારતને મળશે. આ ડિસ્કાઉન્ટ ટ્રેડ વેલ્યૂના લગભગ 100 ટકાને કવર કરે છે.
ભારત-યુકે ટ્રેડ ડીલ: પીએમ મોદીએ શું કહ્યું?
એફટીએના સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજનો દિવસ ભારત અને યુકેના સંબંધોમાં ઐતિહાસિક છે. વર્ષોની સખત મહેનત બાદ ભારત અને યુકેએ એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત-યુકે વેપાર સમજૂતી ખાસ કરીને ભારતનાં યુવાનો, ખેડૂતો, માછીમારો અને એમએસએમઇ ક્ષેત્ર માટે લાભદાયક સાબિત થશે.
બ્રિટિશ વડાપ્રધાને શું કહ્યું?
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે એફટીએના સંદર્ભમાં જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન છોડ્યા બાદ બ્રિટને આ સૌથી મોટો અને આર્થિક રીતે સૌથી મહત્વપૂર્ણ વેપાર કરાર કર્યો છે. આ ભારતે અત્યાર સુધીમાં હસ્તાક્ષર કરેલા સૌથી વ્યાપક વેપાર કરારોમાંથી એક છે.
તેમણે કહ્યું કે ભારત સાથે એફટીએ પર હસ્તાક્ષર કરીને, અમે એક ખૂબ જ શક્તિશાળી સંદેશ આપી રહ્યા છીએ કે બ્રિટન વ્યવસાય માટે ખુલ્લું છે. મોદીએ બ્રિટિશ વડા પ્રધાનને મળ્યા બાદ કહ્યું હતું કે અમે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા, યુક્રેન સંઘર્ષ અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર સતત વિચાર શેર કરવાનું ચાલુ રાખીએ છીએ.
આ પણ વાંચો - આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? પીએમ મોદીના વિદેશ પ્રવાસ પછી થઇ શકે છે બીજેપી સંસદીય બોર્ડની બેઠક
યુકે પહેલાથી જ ભારતમાંથી ઘણી આયાત કરે છે
એફટીએ પર હસ્તાક્ષર થયાના કલાકો પહેલા યુકેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે પહેલાથી જ ભારતમાંથી 11 અબજ પાઉન્ડ માલની આયાત કરે છે, પરંતુ ભારતીય ચીજો પર ઓછી ડ્યુટી બ્રિટિશ ગ્રાહકો અને કંપનીઓ માટે ભારતીય ઉત્પાદનો ખરીદવાનું સરળ અને સસ્તું બનાવશે. આનાથી ભારતીય કંપનીઓ મારફતે યુકેમાં નિકાસને પણ વેગ મળશે.
Sharing my remarks during meeting with PM @Keir_Starmer. https://t.co/jyXL19kGgk
— Narendra Modi (@narendramodi) July 24, 2025
શું હોય છે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ?
ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA) બે કે તેથી વધુ દેશો વચ્ચે લાગુ કરવામાં આવે છે. આ દેશો એકબીજાના દેશોમાં તેમના ઉત્પાદનો પર ટેરિફ સમાપ્ત કરવા અથવા ઘટાડવા અંગે ચર્ચા કરે છે. સર્વસંમતિ પછી આ દેશો વચ્ચે ટેરિફ ખતમ કરવામાં આવે છે અથવા ઓછા કરવામાં આવે છે.
શું સસ્તું છે અને શું મોંઘું થશે
ઈલેક્ટ્રોનિક્સ, કપડાં, મરીન ઉત્પાદનો, સ્ટીલ અને ધાતુ, વ્હિસ્કી અને જ્વેલરી સહિત ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. જ્યારે કૃષિ ઉત્પાદનો, કાર અને બાઇક જેવા ઓટો પ્રોડક્ટ્સ મોંઘા થઈ શકે છે. આ કરાર ભારત અને બ્રિટન માટે રોજગારની તકો પૂરી પાડશે. નોકરીઓની સંખ્યા વધશે અને વ્યવસાયને વેગ મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us