India Weather : દેશના અનેક રાજ્યોમાં સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં એક અઠવાડિયાથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. IMD એ અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
મુંબઈ, પુણે, કોલ્હાપુર માં પૂર જેવા દ્રશ્યો, જમ્મુ કાશ્મીરમાં ભારે ગરમી બાદ શાળા-કોલેજોમાં રજા જાહેર
મુંબઈ, પુણે, કોલ્હાપુર વગેરે શહેરોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પૂર જેવા દ્રશ્યો છે. કોલ્હાપુરના શિરોલ તાલુકાની નરસિંહવાડીમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈ અને કોંકણ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે. સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પૂરની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન કાશ્મીરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીની સિઝનમાં ગરમી લૂ ના કારણે શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવી પડી છે.
ઉત્તરાખંડમાં પણ વાતાવરણ બગડ્યું, સમસ્યાઓ વધી
આ બાજુ, ઉત્તરાખંડના ઘણા શહેરોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના શહેરો જેમ કે ઉધમ સિંહ નગર, હરિદ્વાર, ટિહરી, પૌડી વગેરેમાં થોડા દિવસો સુધી સતત વરસાદી માહોલ રહેશે.
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે આફત
હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે લોકોની હાલત ખરાબ કરી દીધી છે. હાલના દિવસોમાં ત્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ રહ્યું છે. પ્રવાસીઓ અને રહેવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
રાજસ્થાનમાં ભીલવાડમાં ભારે વરસાદ
રાજસ્થાનમાં ચોમાસાની ગતિવિધિને કારણે રવિવારે પણ વરસાદી માહોલ ચાલુ રહ્યો હતો. જયપુર, કોટા અને પાલી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, રવિવારે સવારથી સાંજના 5.30 વાગ્યા સુધી કોટામાં 26.3 મિલીમીટર (મીમી), જયપુરમાં 7 મીમી અને જાલોરમાં 4.5 મીમી વરસાદ નોંધાયો હતો.
કેન્દ્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં, પૂર્વી રાજસ્થાનમાં મોટાભાગના સ્થળોએ અને પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
તેમણે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન અજમેર, ભીલવાડા, બરાન, ઝાલાવાડ, કોટા, ચિત્તોડગઢ અને સવાઈ માધોપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે અને ભીલવાડા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે.
કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન, પૂર્વ રાજસ્થાનના ભીલવાડાના કોત્રીમાં સૌથી વધુ 127 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે પશ્ચિમ રાજસ્થાનના બિકાનેરના કોલાયતમાં 55 મીમી વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો – Gujarat Weather Update : ઉત્તર ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, સાબરકાંઠાના પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ
ચંબલ નદીના જળસ્તરમાં વધારો, ડેમના દરવાજા ખોલાયા
કોટામાં ભારે વરસાદ અને મધ્યપ્રદેશથી આવતા પાણી બાદ ચંબલ નદીના જળસ્તરમાં વધારો થયો છે. આને જોતા વહીવટીતંત્રે કોટામાં બેરેજ ડેમના છ દરવાજા ખોલીને પાણીનો નિકાલ કર્યો હતો. જ્યારે ઝાલાવાડમાં કાલીસિંધ ડેમના દરવાજા ખોલીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.