India women Chief Ministers, ભારતના મહિલા મુખ્યમંત્રીઓ : આમ આદમી પાર્ટીની નેતા આતિશી હવે દિલ્હીના નવી મુખ્યમંત્રી બની ગયા છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાએ તેમને શપથ લેવડાવ્યા હતા. કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા 43 વર્ષીય આતિશી દિલ્હીમાં આ પદ સંભાળનાર ત્રીજા મહિલા બન્યા છે. જેલમાંથી મુક્ત થયા બાદ અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આમ આદમી પાર્ટીના વિધાયક દળની બેઠકમાં સર્વાનુમતે આતિશીને પોતાના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
ભારતમાં મહિલા મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો 16 મહિલા સીએમ રહ્યા છે. આતિશી 17માં મહિલા મુખ્યમંત્રી બન્યા છે.સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત દિલ્હીમાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જાનકી રામચંદ્રન તમિલનાડુના સૌથી ટૂંકા ગાળાના મુખ્યમંત્રી હતા. માયાવતી આ પદ સંભાળનાર પ્રથમ દલિત મહિલા બન્યા હતા જ્યારે સૈયદા અનવરા તૈમૂર પ્રથમ મુસ્લિમ મહિલા બન્યા હતા.
એક નજર કરીએ ભારતના 16 મહિલા મુખ્યમંત્રીઓ પર
સુચેતા કૃપલાની
સુચેતા કૃપલાનીનો જન્મ અંબાલા, પંજાબમાં થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતાં અને ભારત છોડો આંદોલનમાં સહભાગી થયાં હતાં. શરૂઆતમાં તે ધરપકડ બચતા રહ્યા હતા. જોકે 1944માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષ માટે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
1946માં તેઓ સંયુક્ત પ્રાપ્ત (હવે ઉત્તર પ્રદેશ)માંથી બંધારણ સભામાં ચૂંટાયાં હતાં અને ધ્વજ પ્રસ્તુતિ સમિતિના સભ્ય પણ હતાં, જેમણે પ્રથમ ભારતીય ધ્વજ પ્રસ્તુત કર્યો હતો. તે ભારતના કેટલીા મહિલા સાંસદોમાંથી એક હતા અને કોંગ્રેસ પક્ષ તરફથી પ્રથમ અને બીજી સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 1963માં ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા અને ઉત્તર પ્રદેશ રાજ્યની સેવા કરી હતી.
નંદિની સત્પથી
નંદિની સત્પથી ઓડિશાના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો જન્મ કટકમાં થયો હતો અને તે ઓડિયા માસિક ‘કલાના’ ના લેખક અને સંપાદક હતા. તે ઓડિયા ભાષામાં પ્રખર લેખિકા હતી અને તેંની કૃતિઓનો અન્ય ઘણી ભાષાઓમાં અનુવાદ થયો હતો. તેમનું અંતિમ કાર્ય તસ્લીમા નસરીનની નવલકથા ‘લજ્જા’ નો ઓડિયા ભાષામાં અનુવાદ કરવાનો હતો.
તેઓ પ્રથમ મહિલા હતા જેમણે બે વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં, તેમના કાકા ભારતીય સામ્યવાદી પક્ષની ઓડિશા શાખાના સ્થાપક હતા. 1962માં જ્યારે દેશ રાજકારણમાં મહિલાઓના વધુ પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યો હતો, ત્યારે કોંગ્રેસે સત્પથીને ઉપલા ગૃહમાં મોકલ્યા હતા. બાદમાં બીજુ પટનાયકે ઈન્દિરા ગાંધી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ ઓડિશા પરત ફર્યા અને મુખ્યમંત્રી બન્યા હતા.
શશિકલા કાકોડકર
શશિકલા કાકોડકરનો જન્મ ગોવા (પોર્ટુગીઝ ભારત)માં થયો હતો. તેમણે ગોવા, દમણ અને દીવના મુખ્યમંત્રી તરીકે બે વખત સેવા આપી હતી (1987 સુધી ગોવા દમણ અને દીવની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ હતું). તેમના પિતા દયાનંદ બંદોદકર 1963માં લોકશાહી રીતે યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ કર્ણાટકથી સ્નાતક થયા અને પછી અનુસ્નાતકનો અભ્યાસ કરવા માટે મુંબઈ આવી ગયા હતા. જ્યારે તે ગોવા પરત ફર્યા ત્યારે તેમણે સામાજિક કાર્યમાં ભાગ લીધો હતો.
તેમણે સૌ પ્રથમ 1967માં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને વિધાનસભાના બીજા મહિલા સભ્ય બન્યા હતા. 1972ની ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા અને રાજ્યમંત્રી બન્યા. તેમના પિતાનું 12 ઓગસ્ટ 1973ના રોજ પદ પર હતા ત્યારે જ અવસાન થયું હતું અને પક્ષના ધારાસભ્યો દ્વારા તેમને સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
સૈયદા અનવારા તૈમૂર
સૈયદા અનવરા તૈમૂર આસામના પહેલા અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી રહ્યા છે. તેઓ કોઈપણ રાજ્યના પ્રથમ મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી પણ હતા. તેમનો જન્મ 1936માં આસામમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ સાથે સ્નાતકની પદવી મેળવી હતી, ત્યારબાદ 1956માં જોરહાટની દેવીચરણ બરુઆ ગર્લ્સ કોલેજમાં લેક્ચરર બન્યા હતા.
સૈયદા અનવરા તૈમૂર સૌ પ્રથમ 1972માં આસામની રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા અને ત્યારબાદ 1978, 1983 અને 1991માં ફરી ચૂંટાયા હતા. તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળા માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તે એ અગ્રણી હસ્તીઓમાંથી એક હતા જેમનું નામ 2018 માં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં શામેલ કરવામાં આવ્યું ન હતું. 2020માં તેમનું નિધન થયું હતું.
જાનકી રામચંદ્રન
જાનકી રામચંદ્રન તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા અને 24 દિવસની સૌથી ટૂંકી સેવા પણ આપી હતી. વૈકોમ નારાયણી જાનકીનો જન્મ કેરળમાં થયો હતો અને બાદમાં તે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનેત્રી બન્યા હતા. તેમણે તેમના પતિ મારુથુર ગોપાલન રામચંદ્રન (એમજીઆર) સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
એમજીઆરએ તેમની પાર્ટી એઆઈએડીએમકે શરૂ કર્યા પછી, તેમણે તેમની સાથે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પરંતુ 1984માં એમજીઆર બીમાર પડ્યા પછી જ તે પાર્ટી માટે સુસંગત બની હતી. તેમણે પાર્ટીના કાર્યકરોને એમજીઆર વતી સૂચનાઓ આપવાનું શરૂ કર્યું.
જયલલિતા એએમજીઆર (MGR)ના શિષ્યા હતા અને 1987માં જ્યારે એમજીઆરનું અવસાન થયું ત્યારે પાર્ટીને બે જૂથમાં વહેંચાઇ ગઇ હતી. જાનકીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ ત્રણ અઠવાડિયામાં જ તેમને બહુમતી સાબિત કરવી પડી હતી. વિશ્વાસ પ્રસ્તાવનાં દિવસે જ વિધાનસભામાં હિંસા ભડકી ઉઠી હતી અને જાનકીની 24 દિવસની સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી હતી. બાદમાં તેમણે રાજકારણમાંથી સંપૂર્ણ રીતે સંન્યાસ લઈ લીધો.
જયલલિતા
પોતાના માર્ગદર્શક અને એઆઈએડીએમકેના નેતા એમજીઆરના પત્ની જાનકી રામચંદ્રન સાથેના સંઘર્ષ બાદ જયલલિતાએ પોતાને નેતાના રાજકીય વારસદાર જાહેર કર્યા હતા અને પક્ષના એકમાત્ર નેતા તરીકે ઉભરી આવ્યા હતા. 1989ની ચૂંટણી બાદ તેઓ વિપક્ષના નેતા બન્યા હતા અને 1991માં રાજ્યના બીજા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે ચૌદ વર્ષથી વધુ સમય સુધી રાજ્યની સેવા કરી હતી અને છ વખત શપથ લીધા હતા, જે એક મહિલા મુખ્યનંત્રી દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ સંખ્યા હતી.
તેમની સરકાર તેની કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીવાળી વસ્તુઓની ‘અમ્મા’ બ્રાન્ડને કારણે ચર્ચામાં આવી હતી, કારણ કે તેમના પક્ષના કાર્યકરો દ્વારા તેમને અમ્મા અને પુરાચી થલાઇવી તરીકે બિરદાવવામાં આવ્યા હતા. રાજકારણમાં તેમનું જીવન વિવાદોની આસપાસ ફરતું હતું. 2016માં તેમનું અવસાન થયું હતું અને તેઓ પદ પર હતા ત્યારે નિધન પામનાર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
આ પણ વાંચો – સ્ટેપ બાય સ્ટેપ જાણો રાજનીતિમાં કેવી રીતે આગળ વધ્યા આતિશી, હવે સંભાળી દિલ્હીની કમાન
માયાવતી
ઉત્તર પ્રદેશે દેશને પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી આપ્યા હતા. પોસ્ટ ઓફિસના કર્મચારીઓના પરિવારમાં જન્મેલા માયાવતીએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને એલએલબીમાં ગ્રેજ્યુએશન કર્યું. 1977માં તેઓ સમાજ સુધારક અને રાજકારણી કાંશીરામ સાથે જોડાયા, જેમણે પાછળથી 1984માં બહુજન સમાજ પાર્ટી (બસપા)ની સ્થાપના કરી. માયાવતી 1989માં બસપામાંથી સંસદમાં ચૂંટાયા હતા.
1995માં તેઓ અલ્પજીવી ગઠબંધન સરકારમાં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમણે વધુ બે ટૂંકાગાળાના શપથ લીધા હતા અને 2007માં મુખ્યમંત્રી બન્યા હતા અને 206 બેઠકો જીતીને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. 2021માં કાંશી રામે તેમને પાર્ટીના ઉત્તરાધિકારી નામિત કર્યા હતા.
રાજિન્દર કૌર ભટ્ટલ
13 મુખ્યમંત્રીઓ પછી પંજાબમાં રાજિન્દર કૌર ભટ્ટલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. જેમણે હરચરણ સિંહ બ્રારના રાજીનામા પછી 1996 માં શપથ લીધા હતા.
ભટ્ટલનો જન્મ 1945માં લાહોરમાં થયો હતો. તેઓ પહેલી વાર 1992માં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તે સતત પાંચ વખત ચૂંટાઈ આવ્યા હતા. તેમણે એક વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, પરંતુ બાદમાં તેમણે 2004 થી 2007 ની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યનંત્રી તરીકે સેવા આપી હતી. તત્કાલીન કોંગ્રેસ પક્ષના વડા સોનિયા ગાંધી અને તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથેના વિવાદો અંગે કડક વાટાઘાટો બાદ તેમણે આ પદ મેળવ્યું હતું.
રાબડી દેવી
રાબડી દેવી બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ચારા કૌભાંડ કેસ તરીકે જાણીતા ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવતા તેમણે હોદ્દા પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
જ્યારે રાબડી દેવીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે તેઓ પહેલીવાર બિહાર વિધાનસભાના સભ્ય બન્યા. આ પહેલા તેઓ ગૃહિણી હતા અને રાજકારણમાં તેમની કોઇ દખલ ન હતી. આ પછી તે બિહારના ત્રણ વખતના ધારાસભ્ય અને ચાર વખત એમએલસી રહી ચૂક્યા છે.
સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ હતા. 1998માં વધતી જતી મોંઘવારી અને કૌભાંડો અંગે લોકોના આક્રોશ વચ્ચે ભાજપના બે મુખ્યમંત્રીઓઅ રાજીનામું આપ્યા બાદ તેમણે શપથ લીધા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ 52 દિવસ સુધી પદ પર રહ્યા હતા. બાદમાં 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવી ત્યારે તેઓ કેન્દ્રીય વિદેશ મંત્રી બન્યા હતા.
શીલા દીક્ષિત
દિલ્હીમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજ જોવા મળ્યા હતા ત્યારબાદ શીલા દીક્ષિત દિલ્હીના બીજા મહિલા અને સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તે 15 વર્ષ સુધી પદ પર રહ્યા હતા. કોંગ્રેસ નેતાએ સતત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પાર્ટીને જીત તરફ દોરી હતી. દિલ્હીના વિકાસ માટે તેમની સરકારના વખાણ કરવામાં આવે છે, કારણ કે તેમના કાર્યકાળમાં દિલ્હી મેટ્રો શરૂ કરવામાં આવી હતી. સરકારી ભંડોળના કથિત દુરુપયોગ બદલ 2009 અને 2013માં તેમની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ આરોપ દાખલ કરવામાં આવ્યા ન હતા.
ઉમા ભારતી
ઉમા ભારતી મધ્ય પ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 1989થી ભાજપના સાંસદ છે અને રામ મંદિર આંદોલનનું નેતૃત્વ કરનારા નેતાઓમાંથી એક છે. જ્યારે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે તે તે સ્થળે હાજર હતા. ત્યાર બાદ સીબીઆઇની વિશેષ અદાલતે તેમને આ કેસમાં તેમની સામેના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.
2003માં તેમના નેતૃત્વમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય પછી તેમણે શપથ લીધા હતા. જોકે 1994ના હુબલી રમખાણોના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા બાદ એક વર્ષમાં જ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં તેમણે ભાજપ છોડી દીધું, પોતાનો પક્ષ બનાવ્યો અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય બન્યા.
વસુંધરા રાજે
ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા-શિંદેના પુત્રી વસુંધરા રાજે સિંધિયા અગ્રણી સિંધિયા શાહી મરાઠા પરિવારના સભ્ય છે. 1972માં રાજવી ધોલપુર પરિવારના મહારાજા રાણા હેમંતસિંહ સાથે તેમના લગ્ન થયા હતા. તેમની માતા રાજમાતા સિંધિયા પહેલેથી જ એક સક્રિય રાજકારણી હતા. 1984માં તેમણે નવા રચાયેલા ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતા. 2002માં તેઓ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને જ્યારે 2003ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારે તેઓ રાજસ્થાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
મમતા બેનર્જી
સૌથી લાંબા સમય સુધી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સામ્યવાદી સરકાર કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના 34 વર્ષના શાસનનો અંત આણતાં મમતા બેનર્જી 2011માં પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.
તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં કામ કર્યું હતું. બાદમાં તેઓ છૂટા પડી ગયા હતા અને તેમણે પોતાના રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. તેમણે અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં એનડીએ સરકાર સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ યુપીએ સાથે ગઠબંધન કરીને મુખ્યમંત્રી બન્યા હતા.
2011ની ચૂંટણીમાં બેનર્જીની જીત ઘણીવાર 2000 ના દાયકામાં તેમની રાજકીય સક્રિયતાને આભારી છે. તેઓએ ટાટા નેનોના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના સામે સિંગુરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે રતન ટાટાને તેમના પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવાની ફરજ પડી હતી. જોકે તેમણે 2007માં નંદીગ્રામ વિરોધ પ્રદર્શન સાથે ચૂંટણીમાં સફળતા મેળવી હતી, જ્યાં ઓછામાં ઓછા 14 ગ્રામજનોને પોલીસે ગોળી મારીને મારી નાખ્યા હતા.
આનંદીબેન પટેલ
નરેન્દ્ર મોદી 2014માં ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા દિલ્હી ગયા હતા. ત્યારે આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. આનંદીબેન પટેલે બે વર્ષ સુધી આ પદ પર સેવા આપી હતી અને બાદમાં રાજીનામું આપ્યું હતું.હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે.
આનંદી બહેન પટેલ વ્યવસાયે શાળાના શિક્ષક હતા અને રાજકારણમાં જોડાયા પછી તેમણે ગુજરાતના શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી.
મહેબૂબા મુફ્તી
2016માં જ્યારે મુફ્તી મોહમ્મદ સઈદનું મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું ત્યારે તેમના દીકરી મહેબૂબા મુફ્તી, જેઓ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના સાંસદ છે, તેમને પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી પદ સંભાળવા માટે પસંદ કર્યા હતા. તે જમ્મુ-કાશ્મીરમાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા હતા.
તેમના કાર્યકાળના માત્ર બે વર્ષ બાદ જ બંને પક્ષો વચ્ચે ગઠબંધન તૂટ્યું હતું. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપના બે મંત્રીઓએ કઠુઆ રેપ કેસમાં કથિત વ્યક્તિનું સમર્થન કર્યું હતું. મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. બાદમાં ભાજપે સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો, જેના પરિણામે તેમણે રાજીનામું આપી દીધું હતું. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને કેન્દ્ર સરકારે હટાવી ત્યારે મહેબૂબા મુફ્તીની અટકાયત કરવામાં આવી હતી.





