Indian Army Strike : પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે 6-7 મે ની રાત્રે પાકિસ્તાનમાં જોરદાર સ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં જબરદસ્ત ગભરાટનો માહોલ છે. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે તેણે પાકિસ્તાનમાં કયા કયા સ્થળોને નિશાન બનાવ્યા છે.
ભારતીય સેનાએ નવ સ્થળોએ એર સ્ટ્રાઇક કરી
ભારતીય સેનાએ અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન અને પીઓકેમાં મરકઝ સુભાન અલ્લાહ- બહાવલપુર, મરકઝ તૈયબા- મુરીદકે, સરજાલ/તેહરા કલાં, મહમૂદ જોયા ફેસિલિટી-સિયાલકોટ, મરકઝ અહલે હદીસ બરનાલા- ભીમબેર, મરકઝ અબ્બાસ- કોટલી, મસ્કર રાહીલ શાહિદ-કોટલી અને મુઝફ્ફરાબાદમાં શાવઇ નાલા કૈમ અને મરકઝ સૈયદના બિલાલ છે.
ભારતીય સેનાએ કહ્યું છે કે જે નવ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પીઓકેમાં હતા.
ઓપરેશન સિંદૂરમાં ભારતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા નવ ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો – પાકિસ્તાન પર હુમલા બાદ ભારતે ‘બાહુબલી’ તરીકે ઓળખાતી S-400 સિસ્ટમ એક્ટિવ કરી, જાણો વિશેષતા
પાકિસ્તાની ગોળીબારમાં ત્રણનાં મોત
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા પારથી ભારે ગોળીબાર કર્યો હતો. ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ નાગરિકો માર્યા ગયા છે.