ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. ભારતીય નૌસેનાએ શુક્રવારે અરબ સાગરમાં અપહરણ કરાયેલા ઈરાની જહાજ અલ-કમ્બાર 786 ને બચાવી લીધું છે. આ જહાજમાં 23 પાકિસ્તાની ક્રૂ મેમ્બર હતા અને તેમને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. જે ઈરાની જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું તે એક ફિશિંગ જહાજ હતું અને 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ આ જહાજને ચાંચિયાઓથી બચાવી લેવામાં આવ્યું છે.
નેવીએ એક નિવેદન બહાર પાડ્યું
ભારતીય નૌકાદળના સફળ ઓપરેશન બાદ તેમણે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું. નેવીના નિવેદન મુજબ એક્સપર્ટ ટીમ ફિશિંગ વેસલની તપાસ કરી રહી છે, જેથી આ કામ ફરી શરૂ કરી શકાય. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આ જહાજને સુરક્ષિત વિસ્તારમાં લઈ આવવામાં આવશે.
ભારતીય નૌકાદળે ચાંચિયાઓ સામે ઓપરેશન હાથ ધર્યું
ગુરુવારે ઈરાની જહાજને ચાંચિયાઓએ અટકાવ્યું હતું. આ પછી, નેવીને માહિતી મળતાની સાથે જ તાત્કાલિક આઈએનએસ સુમેધાએ શુક્રવારે સવારે જહાજ એફબી અલ કમ્બરને રોક્યું હતું અને તે પછી આઈએનએસ ત્રિશૂલ પણ આ ઓપરેશનમાં જોડાયું હતુ. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર તે ચાંચિયાઓ સામે 100 દિવસથી અભિયાન ચલાવી રહી છે. ભારતીય નૌકાદળનો હેતુ હિંદ મહાસાગરને વધુ સુરક્ષિત વિસ્તાર બનાવવાનો છે.
આ પણ વાંચો – બાલ્ટીમોર બ્રિજ દુર્ઘટના : ભારતીય ક્રૂ મેમ્બર્સની થઇ રહી છે પ્રશંસા, અમેરિકી ગર્વનરે ગણાવ્યા હીરો
સોમાલિયાના દરિયાકિનારે ભારતીય નૌકાદળે કર્યું મોટું ઓપરેશન
લગભગ 7 દિવસ પહેલા ભારતીય નૌસેનાએ સોમાલી તટ પાસે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનના ભાગરૂપે ભારતીય નૌકાદળ દ્વારા 35 ચાંચિયાઓને પકડીને આઈએનએસ કોલકાતા દ્વારા મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાંચિયાઓને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળે દરિયામાં લગભગ 40 કલાકનું ઓપરેશન હાથ ધર્યું હતું અને 23 માર્ચે આઈએનએસ કોલકાતાથી 35 ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા.