વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના કુવૈત પ્રવાસે જઈ રહ્યા છે. ચાર દાયકા કરતાં પણ વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લી વખત કોઈ ભારતીય વડાપ્રધાને 43 વર્ષ પહેલા કુવૈતની મુલાકાત લીધી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી, જ્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 2009માં કુવૈતની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારથી શરૂ થઈ રહેલી કુવૈતની બે દિવસીય મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય ખોલવામાં મદદ કરશે.
પીએમ મોદી અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે
આ મુલાકાત દરમિયાન મોદી કુવૈતના નેતાઓ સાથે ચર્ચા કરશે અને ત્યાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે, અગાઉ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી 1981માં કુવૈતની મુલાકાતે ગયા હતા. ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના ત્રણ ટકાને સંતોષે છે.
કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર મોદી કુવૈતની મુલાકાતે છે. અમીર સાથે મુલાકાત ઉપરાંત તેઓ કુવૈતના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે પણ વાતચીત કરશે. આ બેઠકોમાં બંને પક્ષોને વેપાર, રોકાણ, ઉર્જા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સંબંધોની સમીક્ષા કરવાની તક મળશે. તેઓ શ્રમ શિબિરની પણ મુલાકાત લેશે, ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધશે અને ગલ્ફ કપ ફૂટબોલ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે.
આ પણ વાંચોઃ- Winter Solstice 2024: 21 ડિસેમ્બરે જોવા મળશે સૌથી મોટી રાત અને સૌથી નાનો દિવસ, જાણો શું છે આ પાછળનું કારણ
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કુવૈતના શેખ સાદ અલ અબ્દુલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત થનારી કોમ્યુનિટી ઈવેન્ટની તૈયારીઓ ચાલી રહી છે. વડા પ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદીની કુવૈતની મુલાકાતથી ભારત-કુવૈત સંબંધોમાં “નવો અધ્યાય ખોલવાની” અપેક્ષા છે.





