તહેવારોની સિઝનમાં રેલવે પ્લેટફોર્મ પર લોકોની ભીડને કાબૂમાં રાખવા માટે પશ્ચિમ રેલવેએ મુંબઈના ઘણા મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના રેટમાં વધારો કર્યો છે. પ્લેટફોર્મ ટિકિટના દરમાં આ વધારો કામચલાઉ છે.
ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, CSMT, દાદર, થાણે, કલ્યાણ, LTT અને પનવેલ રેલ્વે સ્ટેશનો પર ભીડને રોકવાના હેતુસર આ સ્ટેશનો માટેની પ્લેટફોર્મ ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટના વધરેલા નવા દર 22 થી 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
અગાઉ, ઉત્તર રેલવેએ પણ પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં રાખવા માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો છે. આ વધેલી કિંમતો નવી દિલ્હી, જૂની દિલ્હી, સરાઈ રોહિલ્લા, હઝરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ અને આનંદ વિહાર સહિતના તમામ મુખ્ય સ્ટેશનો પર 5 ઓક્ટોબર 2022 થી 5 નવેમ્બર સુધી લાગુ રહેશે. જેમાં 10 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 30 રૂપિયા કરવામાં આવી છે. આ સાથે જ ઉત્તર રેલવે વિભાગે લખનૌ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટમાં પણ વધારો કર્યો છે.
આ પહેલા દશેરાના તહેવાર વખતે જ દક્ષિણ રેલવેએ પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરી દીધા હતા. આ વધેલી કિંમત 1 ઓક્ટોબરથી 31 જાન્યુઆરી સુધી લાગુ રહેશે. આમાં તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ડૉ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ, ચેન્નાઈ એગ્મોર, તાંબરમ, કટપડી, ચેંગલપટ્ટુ, અરક્કોનમ, તિરુવલ્લુર, અવડી અને વિજયવાડા સ્ટેશનનો સમાવેશ થાય છે.
નોંધનિય છે કે, અગાઉ પણ તહેવારો દરમિયાન રેલ્વે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા માટે રેલ્વે વિભાગ દ્વારા આવા પગલાં લેવામાં આવ્યા છે, કારણ કે રેલ્વે મંત્રાલયે 2015 થી પ્લેટફોર્મ ટિકિટના ભાવો નક્કી કરવા માટે પ્રાદેશિક રેલ્વે મેનેજરોને સત્તા આપી છે.
ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ રેલવે વિભાગના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દર 10 દિવસ પહેલા જ વધારી દેવામાં આવ્યા હતા. અમદાવાદ રેલવે પ્લેટફોર્મ ટિકિટના દર 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યા છે.