Luggage theft in indian railways : ટ્રેનમાં મુસાફરનો માલસામાન ચોરી થઇ જાય તો તેની જવાબદારી કોની તે મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈ યાત્રીનો સામાન ચોરાઈ જાય તો તેના માટે ભારતીય રેલવે જવાબદાર નથી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે એક કેસની સુનાવણી કરતા કહ્યું કે અમને એ નથી સમજાતું કે ચોરીને રેલવેની સેવામાં ઉણપ સાથે કેવી રીતે જોડી શકાય?
શું છે સમગ્ર મામલો?
આ કેસ 1 લાખ રૂપિયાની ચોરીનો છે. વર્ષ 2005માં સુરેન્દ્ર ભોલા નામના વ્યક્તિ કાશી વિશ્વનાથ એક્સપ્રેસથી દિલ્હી આવી રહ્યા હતા. તેમણે 1 લાખ રૂપિયાની રોકડ રકમ પટ્ટામાં લપેટીને કમર પર બાંધી દીધી હતી. પ્રવાસ દરમિયાન તેમના પૈસા ચોરાઈ ગયા હતા. ત્યારબાદ આ વ્યક્એતિ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમમાં કેસ કર્યો અને રેલવે પાસેથી વળતરની માંગણી કરી. જિલ્લા ગ્રાહક ફોરમમાં થયેલી ચર્ચા દરમિયાન આ વ્યક્તિએ ચોરીને રેલવેની સેવામાં રહેલી ઉણપ સાથે જોડીને દલીલ કરી હતી કે જો રેલવેની સેવામાં કોઈ ઉણપ ન હોત તો તેમના પૈસાની ચોરી થઈ ન હોત.
ગ્રાહક અદાલતે શું ચુકાદો આપ્યો હતો?
ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટે મુસાફરની તરફેણમાં ચુકાદો આપતાં રેલવેને વળતર તરીકે 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કોર્ટના ચૂકાદાની સામે રેલવે વિભાગે પહેલા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ અને પછી રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં અપીલ કરી, પરંતુ બંને જગ્યાએથી તેને આંચકો મળ્યો હતો. રાજ્ય અને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચે જિલ્લા ગ્રાહક અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો છે
સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો
ત્યારબાદ રેલવે વિભાગે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા. સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યુ કે, “અમને એ નથી સમજાતું કે એક મુસાફર તેના સામાનની સુરક્ષા કરી શકતો નથી, તો પછી તેના માટે રેલવે વિભાગને કેવી રીતે જવાબદાર ઠેરાવી શકાય”? કોર્ટે કહ્યું કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે વ્યક્તિગત સામાનની ચોરીને સેવામાં ઉણપ ન ગણી શકાય. સુપ્રીમ કોર્ટે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગ અને જિલ્લા ગ્રાહક ફોરમના આદેશોને રદ કર્યા છે.
ટ્રેનમાં ચોરી થાય તો શું કરવું?
જો ટ્રેનમાં ચોરી, લૂંટ કે લૂંટના કિસ્સામાં ટ્રેનના TTE/કોચ એટેન્ડન્ટ/ગાર્ડ અથવા ટ્રેનમાં તૈનાત GRP કર્મચારીઓનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. તેઓ તમને એફઆઈઆરનું એક ફોર્મ આપશે, જેમાં ચોરી સંબંધિત વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ એફઆઈઆર પોલીસને ટ્રાન્સફર થઈ જાય છે. પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે તમારે તમારી યાત્રા રોકવાની જરૂર નથી. મુખ્ય રેલવે સ્ટેશનો પર આરપીએફ હેલ્પ બૂથની પણ મદદ લઈ શકાય છે. erail.in અનુસાર, FIR ફોર્મ હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.





