ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે વિભાગે ટ્રેનમાં AC-3 ઇકોનોમી ક્લાસની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આથી હવે જે લોકો ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરવા ઇચ્છે તેમણે હવે એસી-3 ટાયર જેટલા જ રૂપિયા ચૂકવવા પડશે. એસી-3 ઇકોનોમી કોચમાં સામાન્ય એસી-3કોચની તુલનાએ બર્થ નાની હોવાની સાથે સાથે સ્પેસ પણ ઓછી છે.
માત્ર 14 જ મહિનાામાં આ સુવિધા બંધ કરી
ટ્રેનોમાં લોકોને રાહત દરે એસી કોચમાં મુસાફરી કરવાની સુવિધા મળે તેવા હેતુ સાથે એસી-3 ઇકોનોમી કોચની ફેસેલિટી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનમાં એસી-3 ઇકોનોમી કોચની સુવિધા સપ્ટેમ્બર 2021માં કરવામાં આવી હતી, જો કે માત્ર 14 મહિનાના અત્યંત ઓછા સમયમાં આ સુવિધા બંધ કરવાનો ભારતીય રેલવે વિભાગે નિર્ણય લીધો છે.

ટ્રેનમાં AC-3E કોચની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેનું ભાડું રેગ્યુલેર AC-3 કોચ કરતાં 6 થી 8 ટકા ઓછું રહેશે. જો કે કમનસીબે રેલવે વિભાગે ટ્રેનમાંથી AC-3E કોચ દૂર કરવાનો નિર્ણય લેતા હવે એસી-કોચમાં મુસાફરી કરવા માટે પેસેન્જરોએ વધારે નાણાં ચૂકવવા પડશે. તમામ ટ્રેનોમાં 3E ને AC-3માં કન્વર્ટ કરવાની પ્રક્રિયા આગામી ચાર મહિનામાં પૂર્ણ થઈ જશે.
હાલ કેટલા AC-3 ઇકોનોમી કોચ છે?
રેલવે વિભાગની માહિતી અનુસાર હાલ 11,277 રેગ્યુલેર AC-3 કોચની સામે 463 AC-3 ઇકોનોમી કોચ છે અને તેથી આ નિર્ણયની અસર નહિવત જોવા મળશે. તેમણે કહ્યું કે AC-3 ઇકોનોમી કોચમાં મુસાફરો માટે સામાન્ય AC-3 કોચ કરતાં વધુ સારી સુવિધા છે અને આવા કોચમાં લિનન આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે જે અત્યાર સુધી ઉપલબ્ધ ન હતો. તેમણે ઉમેર્યું હતું કે, લિનન આપવાનો વધારાનો ખર્ચ યાત્રી દીઠ આશરે 60-70 રૂપિયા છે.

સામાન્ય AC-3 કોચમાં 72 બર્થ હોય છે જ્યારે દરેક AC-3 ઇકોનોમી કોચમાં 83 બર્થ હોય છે. રેલ્વે વિભાગે દાવો કર્યો હતો કે વધુ સીટવાળા નવા કોચ સગ્રમ વિશ્વમાં આ ક્લાસમાં સૌથી સસ્તી એર-કન્ડિશન્ડ ટ્રેન મુસાફરી પ્રદાન કરે છે.
મુસાફરોને મળશે તેમનું મનપસંદ ભોજન
તો ભારતીય રેલ્વે મુસાફરોને ફૂડ મેનુની એક નવી સુવિધા આપી રહી છે. ડાયાબિટીસના દર્દીઓ, બાળકો અને પોતાના વિસ્તારના ખાણીપીણીના શોખીનોને તેમની પસંદગી મુજબ ભોજન આપવામાં આવશે. રેલવે મંત્રાલયે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને ટ્રેનો માટે તેના ફૂડ મેનુમાં ફેરફાર કરવાની સ્વતંત્રતા આપી છે. આ નવા ફૂડ મેનૂ હેઠળ મુસાફરોને તેમની પસંદગી અનુસાર પ્રાદેશિક અને સીઝનલ ફૂડ આપવામાં આવશે. આ ભોજનનો ચાર્જ તમારી ટિકિટમાં સામેલ કરવામાં આવશે નહીં, જો પહેલેથી જ ટિકિટમાં સામેલ કરાયું છે, તો મેનૂ મુસાફરીની મરજી અનુસાર નહીં પણ IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે.