/indian-express-gujarati/media/media_files/2026/01/07/indira-gandhi-venezuela-2026-01-07-22-08-54.jpg)
1968માં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ વેનેઝુએલાની મુલાકાત લીધી હતી. Photograph: (Express Archives)
Venezuela : 1968માં જ્યારે વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વેનેઝુએલાના સાઇમન બોલિવર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રીએ લેટિન અમેરિકન દેશ વેનેઝુએલાની મુલાકાત લીધી હતી. વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ રાઉલ લિયોન અને તેમના મંત્રીમંડળના સભ્યોએ ઇન્દિરા ગાંધીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પહેલા ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ વેનેઝુએલાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
ઇન્દિરા ગાંધી લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે બ્રાઝિલ, ચિલી, ઉરુગ્વે અને આર્જેન્ટિનાની પણ મુલાકાત લીધી હતી. ઇન્દિરા ગાંધી વેનેઝુએલામાં માત્ર 18 કલાક રોકાયા હતા, પરંતુ ત્યાંના નેતાઓ અને લોકો સાથે તેમની ખૂબ જ સારી મુલાકાત થઈ હતી.
કારાકાસ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા 2013માં પ્રકાશિત કરેલ પુસ્તક Indira Gandhi in Venezuela (1968-2013): 45th Anniversary of a Historic Visit થી ખબર પડે છે કે વેનેઝુએલાના લોકોએ ઇન્દિરા ગાંધી પ્રત્યે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી.
એરપોર્ટ પર લોકો ઉમટી પડ્યા હતા
એરપોર્ટ પર મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ હતી જે ઇન્દિરા ગાંધીની ઝલક જોવા માટે આતુર હતા. ઈન્દિરા ગાંધીએ લીલી રંગની સાડી પહેરી હતી. તેમના ગળામાં મોતીનો હાર હતો. રનવેને બંને દેશોના ધ્વજથી શણગારવામાં આવ્યો હતો અને ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
પ્રોટોકોલ તોડવા માટે પરવાનગી માંગી હતી
ઈન્દિરા ગાંધીએ વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ પાસે પ્રોટોકોલ તોડવાની પરવાનગી માંગી હતી જેથી તેઓ વેનેઝુએલાના લોકો અને બાળકો તેમજ ત્યાં રહેતા ભારતીય સમુદાયને મળીને પુષ્પગુચ્છ સ્વીકારી શકે.
આધિકારિક વાહનમાં બેસતા પહેલા ઇન્દિરા ગાંધીએ ફરી એકવાર પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું અને વેનેઝુએલામાં યુનેસ્કોના એક અધિકારીની પુત્રી એમ.રાવ પાસેથી ફૂલોનો ગુલદસ્તો લેવા માટે રોકાયા હતા. જ્યારે ઈન્દિરા ગાંધી એરપોર્ટથી રાજધાની કારાકાસ જવા રવાના થયા ત્યારે એરપોર્ટ પર હાજર લોકોએ ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું.
કારાકાસમાં તે સૌ પહેલા રાષ્ટ્રીય સમાધિ સ્થળની મુલાકાત લીધી, જ્યાં તેમણે સાઇમન બોલિવરની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાઇમન બોલિવર એવા નેતા તરીકે ઓળખાય છે જેમણે વેનેઝુએલાને સ્પેનિશ વસાહતી શાસનમાંથી મુક્ત કરાવ્યું હતું. અહીં પણ ઈન્દિરા ગાંધીના સ્વાગત માટે ઘણા લોકો હાજર હતા. લોકોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું અને ઓટોગ્રાફ માંગ્યા હતા.
ઈન્દિરા ગાંધીએ શું કહ્યું હતું?
ઈન્દિરા ગાંધીએ ત્યાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું લેટિન અમેરિકા અને મારા દેશ વચ્ચે પ્રેમનો સેતુ બનાવવા આવી છું. તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભારત અને વેનેઝુએલાનાં લોકો વચ્ચેનાં સંબંધો વધારે ગાઢ બને. રાષ્ટ્રપતિ લિયોને કહ્યું હતું કે વેનેઝુએલા પણ ભારતની જેમ આર્થિક અસમાનતાનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશોના લક્ષ્યો સમાન છે.
આ પણ વાંચો - યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, વેનેઝુએલાની સરકાર 30 થી 50 મિલિયન બેરલ તેલ સોંપશે
ઈન્દિરા ગાંધીના વેનેઝુએલાથી વિદાય પહેલા બંને દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને કારાકાસમાં કાયમી દૂતાવાસ ખોલવાની યોજનાની જાહેરાત કરી હતી. તેનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને મજબૂત કરવાનો હતો.
ઈન્દિરા ગાંધીએ લોકસભામાં નિવેદન આપ્યું હતું
ઇન્દિરા ગાંધીએ ભારત પરત ફર્યા બાદ લોકસભામાં પોતાની મુલાકાત વિશે જણાવ્યું હતું. ઇન્દિરા ગાંધીએ લોકસભામાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને જવાહરલાલ નહેરુ દક્ષિણ અમેરિકાના દેશોમાં જાણીતા નામ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારત અને વેનેઝુએલા વચ્ચેના સંબંધો મોટે ભાગે વિસરાઈ ગયા છે, પરંતુ કેટલાક સ્થળોએ તેના નિશાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ બંગાળના એક ગામમાં એક પ્રાથમિક શાળા અને નવી દિલ્હીના ડિપ્લોમેટિક એન્ક્લેવમાં એક રસ્તાનું નામ સાઇમન બોલિવરના નામ પર રાખવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us