International Men’s Day 2024 Date, History : દર વર્ષે વિશ્વના 30થી વધુ દેશોમાં 19 નવેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે જે રીતે 8 માર્ચ મહિલાઓ માટે ખાસ દિવસ છે, તેવી જ રીતે 19 નવેમ્બર પુરુષોને સમર્પિત છે. આવી સ્થિતિમાં આપણે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મહત્વ, ઇતિહાસ અને થીમ વિશે જાણીએ.
શા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ?
આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજ, પરિવાર અને સમુદાયોમાં પુરુષોના અમૂલ્ય યોગદાનને માન આપવાનો, તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે એક મંચ પૂરો પાડવાનો, પુરુષો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ઉજાગર કરવાનો અને તેમના અધિકારો અને ગૌરવ વિશે જાગૃતિ લાવવાનો છે.
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઇતિહાસ
વર્ષ 1923માં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાની માંગ કરવામાં આવી હતી. જો કે 1999માં પહેલીવાર આ દિવસને ઉજવવામાં આવ્યો હતો. તે વર્ષે ત્રિનિદાદ અને ટોબેગોમાં આવેલી વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ડો. જેરોમ તિલક સિંઘે તેમના પિતાને પ્રેરણારૂપ ગણીને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને આ ખાસ પ્રસંગે પુરુષોના પ્રશ્નો ઉઠાવવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. થોડાં જ વર્ષોમાં ધીમે ધીમે 19 નવેમ્બરની તારીખ દુનિયાભરમાં લોકપ્રિય બની ગઈ હતી.
ભારતની વાત કરવામાં આવે તો 19 નવેમ્બર 2007ના રોજ આપણા દેશમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ 2024 થીમ શું છે?
જણાવી દઈએ કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવા માટે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘પોઝિટિવ મેલ રોલ મોડલ્સ’ છે. થીમ એવા પુરુષોનું સન્માન કરવાની છે કે જેઓ તેમના સમુદાયોમાં સકારાત્મક ફાળો આપે છે.





