International Womens Day 2024 : વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસે , પિતૃસત્તા અને મૂડીવાદને કચડી નાખનાર મહિલા આંદોલનના વારસાને યાદ કરવામાં આવે છે.
ભારતીય નારીવાદી આંદોલનના કેન્દ્રમાં માત્ર સમાન અધિકારોની માંગ જ નહોતી, પણ સલામત વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ પણ હતો. કેટલાય દાયકાઓના સતત આંદોલન પછી શું એવું કહી શકાય કે, ભારતમાં મહિલાઓ પોતાને હવે સુરક્ષિત અનુભવી રહી છે?
જવાબ છે – ના. ભારતમાં, 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓમાં સુરક્ષાની ભાવના ઘટી છે. જ્યોર્જટાઉન ઇન્સ્ટિટ્યૂટ 2023 વુમન, પીસ એન્ડ સિક્યોરિટી ઇન્ડેક્સ અનુસાર, ભારતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓમાં સુરક્ષાની ભાવનામાં ઘટાડો જોવા મળ્યો છે.
2017 માં, 65.5 ટકા ભારતીય મહિલાઓએ સલામતીનો અનુભવ કર્યો હતો. પરંતુ 2023 માં આ આંકડો ઘટીને 58 ટકા થઈ ગયો છે. મહિલાઓ તેમના વિસ્તારમાં (શહેર કે ગામ) રાત્રે બહાર જતી વખતે સલામત અનુભવે છે કે નહીં, તેના આધારે ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે.
તુલનાત્મક રીતે, અન્ય દેશો આ સંદર્ભમાં વધુ સારું કરી રહ્યા છે: ચીનમાં 91 ટકા મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવે છે, જ્યારે યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આ આંકડા અનુક્રમે 74 ટકા અને 61 ટકા છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા સૌથી નીચે છે, ત્યાંની માત્ર 27 ટકા મહિલાઓ જ પોતાને સુરક્ષિત અનુભવે છે.
આઠમાંથી એક મહિલા જાતીય હિંસાનો ભોગ બને છે
આ જ ઇન્ડેક્સ દર્શાવે છે કે, વૈશ્વિક સ્તરે “આઠમાંથી એક મહિલા” એ છેલ્લા 12 મહિનામાં આત્મીય ભાગીદાર દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. આ દર સ્વિત્ઝર્લેન્ડ અને સિંગાપોરમાં 2 ટકાથી લઈને ઈરાકમાં 45 ટકા સુધીનો છે, એટલે કે, તે દરેક દેશમાં બદલાય છે. ભારતમાં આ આંકડો 18 ટકા છે.
મહિલાઓને ન્યાય મળવાની પહોંચ ઓછી થઈ
આ ચિંતાજનક આંકડા હોવા છતાં, ભારતમાં ન્યાય માટે મહિલાઓની પહોંચ ઓછી છે, જે એકથી ચારના સ્કેલ પર ઈન્ડેક્સના રેન્કિંગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. આ સ્કેલ “મહિલાઓ કેસ દાખલ કરવા, ન્યાયી ટ્રાયલ મેળવવા અને જ્યારે તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે કાનૂની નિવારણ મેળવવા માટે કેટલી હદે સક્ષમ છે તેનું મૂલ્યાંકન કરે છે.”
ભારતનો સ્કોર 2.4 છે. અમેરિકા માટે તે 3.5 છે. દક્ષિણ આફ્રિકા અને યુકે પાસે 3.3 છે. રશિયાનો સૌથી ઓછો સ્કોર 1.6 છે.
મહિલાઓ સામેના ગુનાઓ વધ્યા
2022 માં ભારતમાં દરરોજ સરેરાશ 1,001 મહિલાઓ વિરુદ્ધના ગુના નોંધાયા હતા. જ્યારે 2021 માં આ આંકડો 980 હતો. NCRB ડેટા દર્શાવે છે કે, આવા ગુનાઓ માટે દોષિત ઠેરવવાનો દર 2022 માં ઘટીને 23.3 ટકા થયો હતો, જે ગયા વર્ષે 25.2 ટકા હતો.
2022 માં જાતીય સતામણીના 17,809 કેસ નોંધાયા હતા. તેમાંથી 523 મહિલાઓ અને બાળકો માટે આશ્રય ગૃહોમાં, 422 જાહેર પરિવહનમાં અને 419 કાર્યસ્થળો અથવા ઓફિસના પરિસરમાં બન્યા હતા.





