IPS Anjana Krishna : મહારાષ્ટ્ર Dy CM અજિત પવાર અને મહિલા IPS અધિકારી અંજના કૃષ્ણા વચ્ચેનો વિવાદ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અજિત પવાર આઇપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી. આ ઘટના મામલે અજિત પવારે સ્પષ્ટતા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
બહુચર્ચિત આ વીડિયો મહારાષ્ટ્રના સોલાપુરનો છે. જેમાં મહિલા આઇપીએસ અંજના કૃષ્ણા સાથેની વાતચીતમાં અજિત પવાર એવું કહી રહ્યા છે કે, હું ડિપ્યૂટી ચીફ મિનિસ્ટર બોલી રહ્યો છું. એક્શન રોકો, શું તમારી સામે કાર્યવાહી કરુ? તમારામાં એટલું ડેરિંગ છે?
વાસ્તવમાં આ બબાલ થવાનું કારણ ફોન પર અજિત પવારને ન ઓળખવાનું હતું અને એટલે અજિત પવાર ગુસ્સે થયા અને મહિલા અધિકારીને ખખડાવી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં ચર્ચાસ્પદ તો બન્યો જ છે. સાથોસાથ રાજકારણ પણ ગરમાયું છે.
ડેપ્યૂટી સીએમ અજિત પવાર દ્વારા મહિલા અધિકારી સામે આવું વર્તન કરવાને લઇને આ મુદ્દો રાજકીય બની રહ્યો છે. શિવસેના, ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તમે એક આઇપીએસ અધિકારીને ધમકાવી રહ્યા છે. આમ તો તમે કહો છો કે હું અનુશાસનહિનતા સાંખી લેતો નથી, તું આ શુ કરી રહ્યા છો?
અજિત પવાર વાયરલ વીડિયો અંગે શું કહે છે?
મહિલા આઇપીએસ અધિકારી સાથે થયેલ વાતચીતના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતાં અજિત પવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. અજિત પવારે કહ્યું કે, સોલાપુર જિલ્લાના પોલીસ અધિકારી સાથેની મારી વાતચીત અંગે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે મારો હેતું કાયદાના અમલીકરણમાં દખલ કરવાનો ન હતો. પરંતુ તે સ્થળ પર પરિસ્થિતિ શાંત રહે અને વધુ બગડે નહીં તેની ખાતરી કરવાનો હતો.
કોણ છે IPS અંજના કૃષ્ણા?
મહિલા આઇપીએસ અધિકારી અંજના કૃષ્ણાનો જન્મ તિરુવનંતપુરમમાં થયો હતો અને એમનું આખું નામ અંજના કૃષ્ણા વીએસ છે. તેઓ હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાં ડીએસપી તરીકે કાર્યરત છે. પોલીસ બેડામાં એમની ગણના એક ઇમાનદાર અને લેડી સિંઘમ તરીકે થાય છે.
અંજના કૃષ્ણાએ ગણિત વિષયમાં બી.એસ.સી કર્યું છે અને ત્યારબાદ યૂપીએસસી પાસ કર્યું. વર્ષ 2022-23 માં 355 રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને આઇપીએસ બન્યા હતા.
આ પણ વાંચો – જીએસટી રેટ પર પીએમ મોદીએ કહ્યું – દિવાળી અને છઠ પૂજા પહેલા ખુશીનો ડબલ ધમાકો
અંજના કૃષ્ણા અને અજિત પવાર વિવાદનું કારણ?
સોલાપુરના કુર્ડૂ ગામમાં રસ્તાના નિર્માણ માટે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી અંજના કૃષ્ણા ત્યાં ગયા હતા. જ્યાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. એ દરમિયાન કોઇ એક વ્યક્તિએ ઉપ મુખ્યમંત્રી અજિત પવારને કોલ કરી દીધો અને ડીએસસી અંજના કૃષ્ણાને આપ્યો.
ફોન પર અજિત પવારે પોતાની ઓળખાણ આપી કાર્યવાહી રોકવાની વાત કરી. જેના જવાબમાં અંજના કૃષ્ણાએ કહ્યું કે, તમે મારા નંબર પર ફોન કરો… આ વાતથી જાણે નેતાજીને ગુસ્સો આવ્યો અને કહ્યું કે, કાર્યવાહી અટકાવી દો, તમારી સામે કાર્યવાહી કરુ? તમારામાં એટલું બધું ડેરિંગ છે? નંબર આપો, વીડિયો કોલ કરુ પછી તો ઓળખીશ ને?
અજિત પવારે વીડિયો કોલ કરી વાત કરી અને કાર્યવાહી રોકવા અને મામલતદાર સાથે વાત કરવાના નિર્દેશ આપ્યા હતા.